એકસ્ટ્રા અફેર : વર્શિપ ઍક્ટની સમીક્ષા, હિંદુ-મુસ્લિમ બંને ધીરજ રાખે
- ભરત ભારદ્વાજ
ભારતમાં હમણાં ઠેર ઠેર મંદિર-મસ્જિદ વિવાદો ચાલી રહ્યા છે અને ઘણા કિસ્સામાં નીચલી અદાલતોએ મંદિર તોડીને મસ્જિદ બનાવવાના દાવા કરાતા હોય એવાં સ્થાનોના સર્વે કરવાના આદેશ પણ આપ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ફરમાન કર્યું છે કે, મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ છે એ પ્રકારના દાવા સાથેની કોઈ પણ અરજી અંગે અદાલતોએ કોઈ પણ પ્રકારનો આદેશ ન આપવો અને સર્વે સહિતની કોઈ પણ કામગીરી કરવાની મંજૂરી ના આપવી.
અત્યારે મંદિર-મસ્જિદ વિવાદોના કારણે પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ (વિશેષ જોગવાઈઓ) ૧૯૯૧ પણ ચર્ચામાં છે અને તેની બંધારણીય સ્વીકૃતિ અંગેની અરજીઓના સંદર્ભમાં અદાલતે આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૪ અઠવાડિયાંની અંદર વર્શિપ ઍક્ટને પડકારતી અરજીઓ અને વિરોધ કરતી અરજીઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા પણ કહ્યું છે.
દેશના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર તેનો જવાબ દાખલ નહીં કરે ત્યાં સુધી અમે વર્શિપ ઍક્ટ અંગેની કોઈ પણ અરજી પર સુનાવણી નહીં કરી શકીએ. એટલું જ નહીં પણ અમારો નવો આદેશ ના આવે ત્યાં સુધી આવો કોઈ નવો કેસ દાખલ કરવો નહીં.
હમણાં ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદ ઉપરાંત રાજસ્થાનના અજમેર શરીફની દરગાહ હિંદુ મંદિર હતાં તેનો વિવાદ ચાલી રહ્યો છે. સંભલની જામા મસ્જિદ હિંદુઓનું હરિહર મંદિર હતું એવા દાવા સાથે કરાયેલી હિંદુ પક્ષકારોની અરજી સ્વીકારીને કોર્ટે જામા મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. બે દિવસ પછી હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ રાજસ્થાનની અજમેર શરીફ દરગાહને સંકટમોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કર્યો. આ અરજી પણ કોર્ટે સ્વીકારી અને સર્વેનો આદેશ આપ્યો છે. આ તો બે ઉદાહરણ આપ્યાં, પણ દેશના જુદા જુદા ભાગોમાં આ રીતે મુસ્લિમ ધર્મસ્થાનો હિંદુ ધર્મસ્થાનોને તોડીને બનાવાયાં હોવાના દાવા સાથે કોર્ટમાં અરજીઓ થઈ છે.
આ કેસો પહેલાં વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ, મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ અને મધ્ય પ્રદેશના ધારમાં ભોજશાળામાં આવેલી મસ્જિદને લઈને કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ દરેક કેસમાં અદાલતે હિંદુ પક્ષકારોની અરજીઓ સ્વીકારીને સર્વેના આદેશ આપ્યા છે. જોકે મુસ્લિમો પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ (વિશેષ જોગવાઈઓ) ૧૯૯૧ની જોગવાઈઓના આધારે આ સર્વે ગેરબંધારણીય હોવાની દલીલ કરે છે.
તેની સામે હિંદુ પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ-૧૯૯૧ને ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરી છે. હિન્દુ પક્ષકારોમાં ભાજપના નેતા અને વકીલ અશ્ર્વિની ઉપાધ્યાય મુખ્ય છે. આ સિવાય ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી, લેખક દેવકીનંદન ઠાકુર, કાશીનાં રાજકુમારી કૃષ્ણા પ્રિયા, ધાર્મિક નેતા સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતી, નિવૃત્ત લશ્કરી અધિકારી અનિલ કબોત્રા, એડવોકેટ ચંદ્રશેખર રુદ્ર વિક્રમ સિંહ સહિત ઘણા લોકોએ અરજી દાખલ કરી છે.
આ મામલે મુસ્લિમ પક્ષકારો અને કેટલાક રાજકીય પક્ષો-આગેવાનો પણ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. મુસ્લિમ પક્ષકારોમાં જમિયત ઉલમા-એ-હિંદ, ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિ મુખ્ય છે.
સીપીએમ, ઈન્ડિયન મુસ્લિમ લીગ, શરદ પવારની એનસીપી, આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા સહિત છ પક્ષકારોએ પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ (વિશેષ જોગવાઈઓ) ૧૯૯૧નો ભંગ કરાઈ રહ્યો હોવાની દલીલ સાથે અરજીઓ દાખલ કરી છે. જમિયતની દલીલ છે કે, વર્શિપ ઍક્ટ વિરુદ્ધની અરજીઓ કોર્ટ સ્વીકારે તેના કારણે દેશભરની મસ્જિદો હિંદુ મંદિરો તોડીને બનાવાઈ હતી એ પ્રકારના દાવા સાથેના કેસોનો મારો શરૂ થઈ જશે.
સુપ્રીમ કોર્ટે આ દલીલ અંશત: સ્વીકારીને નવા સર્વે નહીં કરવા ફરમાન કર્યું છે, પણ વર્શિપ ઍક્ટની બંધારણીય માન્યતા ચકાસવાની વાત પણ સ્વીકારી છે. એકંદરે સુપ્રીમ કોર્ટે જ્યાં સુધી વર્શિપ ઍક્ટ અંગે કોઈ ચુકાદો ના આવે ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનું વલણ અપનાવ્યું છે.
Also read: એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?
સુપ્રીમ કોર્ટની બેંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમે વર્શિપ ઍક્ટનો વ્યાપ, સત્તાઓ અને બંધારણીય માન્યતા અંગે તપાસ કરી રહ્યા છીએ એથી તમામ અદાલતો ચૂપચાપ બેસી રહી અને કોઈ નવા આદેશ ના આપે એ યોગ્ય છે.
સુપ્રીમ કોર્ટનું વલણ યોગ્ય અને સમજદારીભર્યું છે કેમ કે અદાલતો દ્વારા અપાતા સર્વે સહિતના આદેશોના કારણે અરાજકતા અને અશાંતિ ઊભી થાય છે. યુપીના સંભલનો કિસ્સો આપણી નજર સામે જ છે. સુપ્રીમ કોર્ટના વકીલ હરિશંકર જૈને ૧૯ નવેમ્બરે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કરેલો કે, સંભલની જામા મસ્જિદ જ હરિહર મંદિર હતું.
એ જ દિવસે અરજી સ્વીકારવામાં આવી અને બીજા દિવસે કોર્ટે જામા મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો. ૫ દિવસ પછી એટલે કે ૨૪ નવેમ્બરે ટીમ સર્વે માટે જામા મસ્જિદ પહોંચી ત્યારે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તેમણે ટીમ પર હુમલો કરી દીધો. ભારે પથ્થરમારો થયો અને ગોળીબાર પણ થયો કે જેમાં ૫ લોકોનાં મોત થઈ ગયાં.
સુપ્રીમ કોર્ટ પાસે અત્યારે મથુરાની શાહી ઇદગાહ અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના બે કેસ છે તેથી આ બંને સ્થળે પણ સ્ફોટક સ્થિતિ થઈ શકે છે અને હિંસા પણ થઈ શકે છે. દેશભરમાં આવા ૧૮થી વધુ કેસ પેન્ડિંગ છે અને તેમાંથી ૧૦ મસ્જિદો સાથે સંકળાયેલા છે એ જોતાં આ અતિ સંવેદનશીલ મુદ્દો છે તેથી સુપ્રીમ કોર્ટે નવો ડખો ઊભો નહીં કરવાનું સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટની તાકીદ પછી અદાલતો તો નવો ડખો ઊભો કરવાની હિંમત નહીં કરે, પણ હિંદુ અને મુસ્લિમ પક્ષકારો પણ સમજદારી બતાવે એ જરૂરી છે.
અત્યારે દેશમાં ૧૯૯૩માં બનેલો વર્શિપ ઍક્ટ અમલમાં છે. આ ઍક્ટ હેઠળ દેશનાં તમામ ધર્મસ્થાનો ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો ત્યારે જે સ્થિતિમાં હતાં એ જ સ્થિતિમાં રાખવાની જોગવાઈ છે. મુસ્લિમો આ ઍક્ટ પર મુશ્તાક છે, પણ સુપ્રીમ કોર્ટે આ ઍક્ટનું અર્થઘટન કરવાની અરજી સ્વીકારી છે ત્યારે અર્થઘટન શું થાય છે એ જોવું જરૂરી છે.
સુપ્રીમ કોર્ટ વર્શિપ ઍક્ટને માન્યતા આપે એવી શક્યતા વધારે છે કેમ કે દેશની સંસદે બનાવેલા કાયદાને સુપ્રીમ કોર્ટ ફગાવી ના શકે. વર્શિપ ઍક્ટને ફગાવવા માટે કોઈ નક્કર આધાર નથી તેથી મુસ્લિમોનું પલ્લું ભારે છે.
હિંદુ પક્ષકારોએ મોદી સરકાર કોર્ટમાં શું જવાબ રજૂ કરે છે એ જોવું જોઈએ. ૧૦ વર્ષ લગી બહુમતી હતી છતાં વર્શિપ ઍક્ટ નાબૂદ કરવા કંઈ નહીં કરનારી મોદી સરકાર અત્યારે પણ આ ઍક્ટ રદ કરવાની તરફેણમાં છે કે નહીં એ જોયા પછી હિંદુ પક્ષકારોએ પોતાની વ્યૂહરચના ઘડવી જોઈએ