નકલી ED મામલે હર્ષ સંઘવીની ટ્વીટ પર ઇટાલિયાએ ફેંકી ચેલેન્જ; સામી છાતીએ ચર્ચા કરો…
અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નામે ગાંધીધામના જાણીતા જ્વેલર અને તેમના પિતરાઈ ભાઈના ઘરે દરોડો પાડીને 25.25 લાખની કિંમતના ઘરેણાં પડાવી લીધા હતા. આ 4 ડિસેમ્બરના રોજ આ ઘટનાક્રમ ખુલાસા બાદ પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ અદાલતે 11 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલાની ચર્ચા રાજ્ય સહિત દેશભરમાં થઈ હતી, આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આપ નેતા ગોપાલ ઇટાલિયા સામસામે આવી ગયા છે.
આ પણ વાંચો : Gujarat માં ઠંડીનું જોર વધ્યું, હજુ પણ કોલ્ડ વેવનું એલર્ટ
ગુજરાતના આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે એક્સ (X) હેન્ડલ પર ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં તેમણે નકલી ED ટીમના મુખ્ય આરોપી અબ્દુલસતારને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો. તો તેમના ટ્વીટ બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ટ્વીટ-ટ્વીટની રમત કરવાને બદલે ડિબેટ કરવાની ચેલેન્જ આપી હતી.
શું કહ્યું હર્ષ સંઘવીએ?
હર્ષ સંઘવીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને નકલી ઇડીના કેસમાં ઝડપાયેલા આરોપીને આપનો નેતા ગણાવ્યો હતો. હર્ષ સંઘવીએ તેમના ટ્વીટમાં કહ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા! કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના ચેલાના કુકર્મોનો ખરો પુરાવો!
ગૃહ મંત્રી ભાગો નહિ, ચર્ચા કરો
ગૃહમંત્રીના ટ્વીટ બાદ આપના નેતા ગોપાલ ઇટાલિયાએ તેનો વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે નકલી ઇડી કેસમાં પકડાયેલ આરોપી આમ આદમી પાર્ટીનાં નેતા છે. તો મારુ તેમને કહેવું છે કે હર્ષ સંઘવી ગૃહ મંત્રી છે તે ભાગે નહિ, ભાગવાની જરુંર નથી. ગૃહ મંત્રી છો તો ચેલેન્જ સ્વીકારો. આ પહેલા પણ આઠ પાસની ચર્ચાની જાહેરાત કરીને ભાગી ગયેલા તો ફરી મોકો આવ્યો છે, આવો ચેલેન્જ સ્વીકારો.
આ પણ વાંચો : ગુજરાતમાં કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન માટે જિલ્લા કક્ષાએ સ્થપાશે આ સુવિધા, જાણો વિગત
જાહેર મંચ પર આવો
ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપતા કહ્યું હતું કે, ‘આવો જાહેરમાં ડિબેટ કરીએ, સામસામે બેસીએ, જો ઇડીમાં આપનો નેતા પકડાયો હોય તો આવો ડિબેટ કરો. ભડ હોય તે ભાગે નહિ. ટ્વીટ-ટ્વીટ કરીને મોટી મોટી ફાંકાફોજદારી કરવાના બદલે ચર્ચા કરવા આવો. પાકા પુરાવાઓ હોય તો આવીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો, આમ ટપોરી કે ટ્રોલની જેમ ટ્વીટ-ટ્વીટ કરવાની જરુંર નથી.”