હૈદરાબાદઃ અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડને લઈને આજે દિવસભર હાઈ ડ્રામા ચાલુ રહ્યો હતો. હૈદરાબાદ પોલીસે બપોરે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી, પરંતુ સાંજ સુધીમાં તેને હાઈ કોર્ટ દ્વારા જામીન મળી ગયા હતા, પરંતુ આ મુદ્દે ફિલ્મી કલાકારોની સાથે સાથે રાજકારણ પણ ગરમાયું છે.
આ સમગ્ર ઘટનાને લઈને બીઆરએસ (ભારત રાષ્ટ્ર સમિતિ) અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતાઓએ સરકારની ટીકા કરી છે. હકીકતમાં ગયા અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા-૨ ધ રૂલ’ની સ્ક્રીનિંગ વખતે મચેલી ભાગદોડ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. આજે પોલીસે આ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જોકે તેને આગોતરા જામીન આપીને મોટી રાહત આપી હતી. જોકે, આ મુદ્દે સોશિયલ મીડિયા પરના યૂઝરની સાથે રાજકીય પ્રત્યાઘાતો મળ્યા હતા.
આ પણ વાંચો: Breaking News: ધરપકડ બાદ અલ્લુ અર્જુનને હાઈ કોર્ટે આપ્યા જામીન, 14 દિવસની થઈ હતી જેલ
બીઆરએસ નેતા કેટી રામારાવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, પરંતુ રાજ્ય સરકારની કામગીરી પર સવાલ ઊઠાવ્યા હતા. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અકસ્માત માટે અભિનેતા સીધો જવાબદાર નથી. આ સાથે તેમણે આ પરિસ્થિતિનો સામનો કરવામાં સરકારના અસભ્ય વર્તનની પણ ટીકા કરી હતી.
ભાજપના સાંસદ બંદી સંજય કુમારે પણ આ સમગ્ર ઘટનાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા અલ્લુ અર્જુનને કપડાં બદલવાનો પણ સમય નહીં આપતા તેના બેડરૂમમાંથી ધરપકડ કરવામાં આવી તે ગેરવહીવટી અને ઘૃણાસ્પદ કૃત્ય છે. સંધ્યા થિયેટરમાં નાસભાગમાં એક મહિલાનું દુ:ખદ મૃત્યુ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ ભીડને સંચાલિત કરવામાં કોંગ્રેસ સરકારની નિષ્ફળતાને જ રેખાંકિત થાય છે. આઇકન સ્ટાર્સ અને તેમના ચાહકો આદરને પાત્ર છે, અરાજકતા નહીં.
હવે તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘પુષ્પા-૨: ધ રૂલ’ની સ્ક્રીનિંગ વખતે એક્ટર અલ્લુ અર્જુન સંગીત નિર્દેશક દેવી શ્રી પ્રસાદ સાથે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મના પ્રમોશન માટે ગયા હતા. આ દરમિયાન ભીડ વધતા બહાર નીકળવા માટે ઓછી જગ્યાના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનું બાળક ઘાયલ થયું હતું. મૃતકના પરિવારની ફરિયાદના આધારે અભિનેતા, તેની સુરક્ષા ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
Taboola Feed