હવે પશુઓને ચરાવશે AI રોબોથી બનેલો ગોવાળ!
કોઈપણ ઋતુ હોઇ, કેવી પણ પરિસ્થિતિ હોય એક પશુપાલક કે માલધારીને હંમેશા તેના પશુને ચરવા લઈ જવાની ચિંતા રહે. આ માટે પશુપાલકો હંમેશા વન-વગડા અને ખેતરોમાં પશુઓને લઈને ફર્યા કરે છે. જો પશુઓની સંખ્યા વધુ હોય તો તેના માટે ઘણા ગોવાળોને કામે લગાડવા પડે છે અને આ કામ મહેનત માંગી લે છે. પરંતુ હવે બજારમાં ગોવાળ આવી ગયો છે જે માત્ર પ્રાણીઓને ચરાવશે જ નહીં પરંતુ પશુ માલિકોને અનેક પ્રકારની માહિતી પણ આપશે.
ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીએ કર્યો તૈયાર
આ રોબોટ ગોવાળ (Robot cattle herder) સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરે છે. આ વિશ્વનો પ્રથમ સ્માર્ટ ગોવાળ છે જેને સ્વેગબોટ (swagbot) નામ આપવામાં આવ્યું છે. આ રોબોટ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીના રોબોટિક્સ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ રોબોટનર ચાર નાના પૈડા પર ઘાસના મેદાનોમાં સરળતાથી ફરતો જોઈ શકાય છે. તેમાં અનેક પ્રકારના સેન્સર લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા પશુપાલકને તેના પશુઓ અને ઘાસચારાની માહિતી મળે છે.
આ પણ વાંચો : વિશેષ : આશ્ચર્ય – રોમાંચ ને ચિંતાનું કારણ બને છે હ્યુમનોઇડ રોબો
રોબોટ આપશે ઘાસની ગુણવત્તાની માહિતી
આ સ્વેગબોટ લેસર અને વિઝન સેન્સરથી સજ્જ છે જેના દ્વારા વિવિધ પ્રકારની માહિતી એકત્ર કરવામાં આવે છે. આ સેન્સરની મદદથી ચરી રહેલા દરેક ગાય અને પશુ પર સતત નજર રાખી શકાય છે. વળી આ રોબોટ ઘાસની ગુણવત્તા પણ શોધી કાઢે છે અને જણાવે છે કે પ્રાણીને કઈ રીતે સારી ગુણવતાનું ઘાસ ખવડાવી શકાય. રોબોટ ઘાસની તપાસ કરીને તેની ગુણવત્તાની પણ માહિતી આપે છે. તેના આધારે ખેડૂતો નક્કી કરે છે કે પશુઓને ચરવા દેવા કે નહીં.
સ્વેગબોટ કૃષિ ક્ષેત્ર માટે મોટી સફળતા
સ્વેગબોટની સફળતાથી એ બાબતનો પુરાવો આપે છે કે કૃષિ ક્ષેત્રમાં AI આધારિત ટેકનોલોજીનો ઉપયોગ વધારી શકાય છે. અત્યાર સુધી માત્ર હવામાન સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે AI આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે પશુઓને ચારવા માટે પણ સ્વેગબોટનો ઉપયોગ અને ઘાસચારાની ગુણવત્તા જાણવી એ કૃષિ ક્ષેત્ર અને પશુપાલન માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.