સિંગાપોરઃ 18 વર્ષની ઉંમરના ચેસના સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન ભારતના ડી. ગુકેશે ગુરુવારે અહીં ચીનના ડિન્ગ લિરેનને 14મી તથા અંતિમ ગેમમાં હરાવીને વિશ્વ વિજેતાપદની સર્વોત્તમ ટ્રોફી તો જીતી લીધી, પરંતુ એ સાથે તેણે ચેસની મહાન રમતનું જે રીતે સન્માન કર્યું એ સાથે તેણે કરોડો લોકોના દિલ પણ જીતી લીધા છે.
આ પણ વાંચો : Gukesh Well Done: Chess Champion ગુકેશને રાષ્ટ્રપતિ અને PM Modiએ આપ્યા અભિનંદન
ડિન્ગ લિરેનને 7.5-6.5થી હરાવીને ગુકેશે વિશ્વ વિજેતાપદ પર પોતાની મહોર લગાવી ત્યાર બાદ લિરેન તરત જ હતાશામાં ચેસ-બોર્ડ છોડી ગયો હતો. જોકે ગુકેશ ત્યાંથી ઊભો નહોતો થયો. એને બદલે ગુકેશે તેના આ સુપર-લકી ચેસ-બોર્ડ સાથે થોડો વધુ સમય વીતાવવાનું પસંદ કર્યું હતું. જેમ કોઈ બૅટરને અમુક બૅટ સૌથી પ્રિય હોય છે. બોલર પાંચ વિકેટની કે એનાથી પણ મોટી સિદ્ધિ મેળવીને યાદગીરી તરીકે બૉલ હાથમાં બતાવીને મેદાન પરથી વિદાય લે એમ ગુકેશે ચેસ-બોર્ડને એટલી હદે પોતીકું બનાવી લીધું કે એને છોડીને જવાનું તેને મન જ નહોતું થતું.
ગુકેશ યંગેસ્ટ ચેસ વર્લ્ડ ચૅમ્પિયન બનતાની સાથે જ રડવા લાગ્યો હતો. તેની આંખોમાં હર્ષના આંસુ સમાતા નહોતા. ચેન્નઈમાં રહેતા શતરંજના આ નવા શહેનશાહે ચેસ-બોર્ડ પરના મ્હોરાં ફરી ગોઠવ્યા હતા. સામે ઊભેલા અધિકારીઓના અભિનંદન ઝીલતી વખતે પણ તે રડતો રહ્યો હતો અને ઊભા થતાં પહેલાં તેણે ચેસ-બોર્ડને પ્રણામ કર્યા હતા, ઈશ્વરનો આભાર માન્યો હતો અને પોતાનો બેજ પહેરીને શેષ વિશ્વના અભિનંદનની વર્ષા માણવા પોતાની ખુરસી પરથી ઊભો થયો હતો. ઊભા થતાંની સાથે જ ગુકેશે બન્ને હાથ ઊંચા કરીને સેલિબે્રશનની શરૂઆત કરી હતી.
વિશ્વ વિજેતાપદ મેળવ્યા પછી પોતાની ખુરસી પરથી ઊભા થતાં પહેલાં ગુકેશે આ જે કંઈ કર્યું એનો વીડિયો વાઇરલ થયો છે અને તેના પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો.
મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરે 2013માં 24 વર્ષની શાનદાર ક્રિકેટ કારકિર્દીનો અંત લાવી દીધો એ સાથે તેણે વાનખેડે સ્ટેડિયમમાં ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમના હજારો પ્રેક્ષકો, ભારતની તેમ જ વેસ્ટ ઇન્ડિઝની ટીમના ખેલાડીઓ, પોતાના પરિવારના સભ્યો તેમ જ પ્રશિક્ષકો અને અધિકારીઓની હાજરીમાં ઇમોશનલ સ્પીચ આપી હતી તેમ જ પોતાની કરીઅરને યાદગાર બનાવવા બદલ પ્રણામ કરીને દરેકનો આભાર માન્યો હતો.
રાજેશ મહેતા નામના વ્યાવસાયિકે ફેસબુક પરની પોસ્ટમાં ડી. ગુકેશ વિશે લખ્યું, ગુકેશને આવા અપ્રતિમ સંસ્કાર આપવા બદલ તેના મમ્મી-પપ્પાને મારા કોટિ કોટિ પ્રણામ.’ જયપાલા ચંદેડી નામના ચેસપ્રેમીએ લખ્યું,મોટા ભાગના ભારતીય ચેસ ખેલાડીઓ કોઈ પણ પરિસ્થિતિમાં શિસ્તબદ્ધતામાં માનતા હોય છે અને પોતે હારે કે જીતે, ગેમ પૂરી થયા બાદ ચેસ-બોર્ડ ફરી ગોઠવતા હોય છે.’
આ પણ વાંચો : World Chess Championships: 18 વર્ષના ડી ગુકેશે રચ્યો ઇતિહાસ, સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો
અરવિંદ શાહ, પલ્લવી મિસ્ત્રી તેમ જ અશોક પ્રજાપતિ, ચેતના શાહ, ભરત શાહ સહિત અનેક ચેસલવર્સે ગુકેશને સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા હતા.