સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પૂર્વે GPSC ના ચેરમેને આપી મહત્ત્વની માહિતી…
ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector)ની ભરતીને લઈને GPSCના ચેરમેન હસમુખ પટેલે (IPS Hasmukh Patel) પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફાળવવા બાબતે કરવામાં આવેલા પરિવર્તન અને તેને સલગ્ન બાબતોની માહિતી આપી હતી. તેમણે ઉમેદવારોને નિરાશ થતાં વગર પરીક્ષા આપવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ ફ્લાવર શૉ જોવા ખિસ્સા ખાલી કરવા પડશે, જાણો ટિકિટનો ભાવ
હસમુખ પટેલે આપ્યું કારણ
GPSC દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક STIની ભરતીમાં કેન્દ્ર ફાળવવામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આજ સુધી જીપીએસસી દ્વારા ઉમેદવારની પરીક્ષા તેના જિલ્લા કેન્દ્ર પર લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે આયોગે તેમાં ફેરફાર કરીને નજીકના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
આ અંગે આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર આપવાને કારણે ઉમેદવારોને મુશ્કેલી પડે તે સમજી શકાય તેમ છે. ભૂતકાળમાં પોતાના જિલ્લાના સંપર્કનો ઉપયોગ કરી પરીક્ષામાં ગરબડ કર્યાના બનાવો રાજ્યની કેટલીક પરીક્ષાઓમાં થયેલા છે તેને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે.
ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર જિલ્લામથકમાં જ લેવાશે
આ ઉપરાંત તેમણે ખેદ વ્યક્ત કર્તા કહ્યું હતું કે, ‘ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી જવામાં મુશ્કેલી પડે તે આયોગ તરીકે અમને જરાય પસંદ નથી પરંતુ પરીક્ષાની સલામતી તથા પરીક્ષા સ્વચ્છ રીતે લેવાય તે આયોગની સૌથી મોટી પ્રાથમિકતા છે. ઉમેદવારોને પ્રવાસમાં મુશ્કેલી ના પડે તે માટે ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર શક્ય હોય ત્યાં સુધી જિલ્લાના મુખ્ય મથકમાં રાખવામાં આવશે તેમ પણ હસમુખ પટેલે જણાવ્યું હતું.
GSRTC ફાળવશે વધારાની બસ
વધુમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે, “STIની ભરતીમાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર હોય ત્યાં સુધી પહોંચવામાં અનુકૂળતા રહે તે માટે વધારાની એસટી બસો મુકવા માટે આયોગ અને GSRTCના વડા સાથે વાત કરવામાં આવી છે અને GPSC તરફથી જીલ્લા વાઇઝ ઉમેદવારોની સંખ્યા સાથે GSRTC ને પત્ર લખવામાં આવ્યો છે. ઉમેદવારોને અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા વધારાની બસ મુકવામાં આવશે.
આ પણ વાંચો : રોજગારીઃ CM ભૂપેન્દ્ર પટેલે ૫૮૦ નવયુવાનને નિમણૂકપત્ર એનાયત કર્યા
સ્વૈછિક સંસ્થાઓને કરી અપીલ
હસુમખ પટેલે આ અંગે ગુજરાતની પ્રજા અને સ્વૈછિક સંસ્થાઓને અપીલ કરતાં કહ્યું હતું કે ગુજરાતે કાયમ મદદ કરી છે. લોકરક્ષકની ભરતીની ઉદાહરણ આપતા તેમણે સ્વૈછિક સંસ્થાઓ દ્વરા ઉમેદવારો માટે કરવામાં આવેલ વ્યવસ્થાને બિરદાવી હતી અને આ પરીક્ષામાં પણ સહકાર આપવા માટે અપીલ કરી હતી.