માનવતા શરમાઈઃ હેલ્મેટ પહેરેલ વ્યક્તિએ મૃત મહિલાના હાથમાંથી બંગડીઓ ચોરી, વીડિયો વાયરલ
મુંબઈ: કુર્લા બસ દુર્ઘટના બાદ અલગ અલગ પ્રકારના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં વધુ એક ચોંકાવનારો વીડિયો જોવા મળ્યો છે. વાઈરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે એક હેલ્મેટ પહેરેલ વ્યક્તિ મૃત મહિલાના હાથમાંથી બંગડીઓ કાઢતો હતો.
કુર્લા પોલીસે સોમવારે કુર્લા બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કનીઝ ફાતિમા અન્સારી (55)ના હાથમાંથી ત્રણ સોનાની બંગડી ચોરી કરવાના આરોપસર અજાણ્યા વ્યક્તિઓ સામે ચોરીનો કેસ નોંધ્યો છે. હેલ્મેટ પહેરેલ એક વ્યક્તિ અંસારીના મૃત શરીર પરથી બંગડીઓ કાઢી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. તેનું નાનું પર્સ પણ ગાયબ થયું હતું.
કુર્લાની દેસાઈ હોસ્પિટલમાં અટેન્ડન્ટ અંસારી બિલ્ડિંગની બહાર ઊભી હતી ત્યારે બસે તેને ટક્કર મારી હતી. વાઈરલ વીડિયોમાં મૃતદેહ બેસ્ટ બસની બાજુમાં એક કારની નીચે જોઈ શકાય છે અને એક માણસ તેને મદદ કરવાના બહાને તેના ઘરેણાં ઉતારતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : કુર્લા બસ અકસ્માત કે જાણીજોઇને કરેલું કૃત્ય?, પોલીસ તપાસમાં નવો વળાંક
અંસારીની પુત્રીએ તેની માતાના ઘરેણાં ગુમ થયાની જાણ કરવા પોલીસનો સંપર્ક કર્યો હતો, તેણે આને અમાનવીય કૃત્ય ગણાવ્યું હતું. પોલીસ વીડિયોની તપાસ કરી રહી છે અને વ્યક્તિની પણ ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.