હૈદરાબાદ થિયેટર સ્ટેમ્પેડ કેસમાં અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી, જાણો હકીકત?
એક તરફ પુષ્પા-2નો ક્રેઝ દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે, ફિલ્મ રૂ. 1,000 કરોડની કમાણી કરી ચૂકી છે, ત્યાં તો સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ચાહકો માટે માઠા સમાચાર મળ્યા છે કે અલ્લુ અર્જુનની ધરપકડ કરવાના સમાચાર વાઈરલ થયા છે. આ કેસમાં સૌથી મોટી અપડેટ જાણવા મળી છે કે અલ્લુ અર્જુનની અંગત ટીમે અલ્લુ અર્જુનને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તેની ધરપકડના અહેવાલ સાચા નથી. તેમની કોઇ ધરપકડ કરવામાં આવી નથી. આ અંગે અલ્લુ અર્જુનની ટીમે લોકોને વિનંતી કરી કે તેઓ આવા સમાચારો પર વિશ્વાસ ના કરે.
જોકે, જ્યારે અલ્લુ અર્જુનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો ત્યારે તેમની પત્ની સ્નેહા રેડ્ડી રડી પડી હતી. નોંધનીય છે કે અલ્લુ અર્જુનના લગ્ન કૉંગ્રેસના નેતા કે. (કાંચરલા) ચંદ્રશેખર રેડ્ડીની પુત્રી સ્નેહા રેડ્ડી સાથે થયા છે. જમાઇને પોલીસ પૂછપરછ માટે લઇ ગઇ હોવાની માહિતી મળતા જ ચંદ્રશેખર રેડ્ડી પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
દરમિયાન અલ્લુ અર્જુનને પોલીસ સ્ટેશને લઈ જવા માટે પોલીસ પહોંચી ત્યારે તે સૌની સાથે આરામથી વાતચીત કરતો જોવા મળ્યો હતો. હાથમાં કોફીના કપ સાથે પોલીસ અધિકારી સાથે વાત કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
નોંધનીય છે કે 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા 2’નો પ્રીમિયર યોજાયો હતો. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પણ ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ વખતે અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ચાહકોની ભીડ ઉમટી પડી હતી. ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એક મહિલા (રેવતી 35 વર્ષ)નું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : એક હજાર કરોડનો દલ્લો એકઠો કરી લીધો છતાં પુષ્પા-2 આ ફિલ્મોથી પાછળ
મૃતક મહિલાના પરિવારે અલ્લુ અર્જુન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટના અંગે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો, ત્યાર બાદ થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને વચન આપ્યું હતું કે પીડિતાના પરિવારને રૂ 25 લાખની સહાય આપવામાં આવશે. તેમણે રેવતીના પુત્રના તબીબી ખર્ચની કાળજી લેવાની ખાતરી પણ આપી હતી.
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે અલ્લુ અર્જુન અને તેની ટીમે પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન પોલીસને કોઇ પૂર્વ સૂચના આપી નહોતી. અભિનેતાને જોવા માટે થિયેટરમાં ભારે ભીડ ઉમટી હતી અને પરિસ્થિતિ કાબૂ બહાર થઇ ગઇ હતી.
હજી બુધવારે જ અલ્લુ અર્જુને તેલંગણા હાઈ કોર્ટનો સંપર્ક કરી તેની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી. અરજીમાં અલ્લુ અર્જુનના વકીલે દલીલ કરી હતી કે અભિનેતા નાસભાગથી અજાણ હતો, કારણ કે તે ઘટના સમયે થિયેટરની અંદર હતો. વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે પ્રોડક્શન હાઉસે અભિનેતાના આવવાની જાણ થિયેટરના મેનેજમેન્ટ અને પોલીસ વિભાગને કરી હતી, જેથી કોઈ અપ્રિય ઘટના ટાળી શકાય.