અતુલ સુભાષની પત્ની રૂપિયા 22 લાખમાં ડિવોર્સ માટે સમંત થઈ હતી પણ…
સમસ્તીપુરઃ બેંગલૂરુની આઇટી ફર્મમાં કામ કરતા મૂળ બિહારના અતુલ સુભાષે પત્ની અને તેના પરિવારજનો સાથે વિવાદ વચ્ચે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. અનેક આરોપ-પ્રત્યારોપ અને ડિવોર્સ માટે તેમની પત્ની દ્વારા મોટી રકમની માગણી વગેરે અનેક બાબતો હવે આ કેસમાં બહાર આવી રહી છે. દરમિયાન આ બંને વચ્ચેના વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પંકજ જ્યોતિએ આ કેસની વિગતો પર પ્રકાશ નાખવાનો પ્રયાસ કર્યો છે જે આપણે જાણીએ.
પંકજ જ્યોતિએ આ કેસ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘કાશ! જો અતુલ અને નિકિતાના વૈવાહિક જીવનમાં ઉભો થયેલો વિવાદ વર્ષ 2021માં ઉકેલાઈ ગયો હોત તો આજે અતુલ જીવિત હોત.’ સમસ્તીપુરના રહેવાસી સીએ પંકજ જ્યોતિએ જણાવ્યું હતું કે, વર્ષ 2021માં નિકિતાના પરિવારવાળા તેમની પાસે આવ્યા હતા. અતુલ અને નિકિતા વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા તેમણે પહેલ કરી હતી. મામલો લગભગ ઉકેલાઈ ગયો હતો. નિકિતા અને તેનો પરિવાર 22 લાખ રૂપિયા લઇને કેસ પાછો ખેંચવા સંમત થયા હતા, પરંતુ આ દરમિયાન એકબીજા પરના અવિશ્વાસે આ કરાર થવા દીધો નહીં. જેનું પરિણામ એ આવ્યું કે બરાબર 3 વર્ષ પછી અતુલે આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો.
Also read: ‘2038 પહેલા ખોલશો નહીં…’, અતુલ સુભાષે તેના ચાર વર્ષના પુત્ર માટે ગીફ્ટ છોડી
નિકિતાના સંબંધીઓએ આ મામલે સમસ્તીપુરના જ રહેવાસી સીએ પંકજ જ્યોતિનો સંપર્ક કર્યો હતો. તેણે અતુલના પિતરાઈ ભાઈ બજરંગ પ્રસાદ અગ્રવાલ સાથે મોબાઈલ પર વાત કરી અને અતુલ-નિકિતાના વૈવાહિક જીવનમાં ઉભા થયેલા વિવાદને ઉકેલવા માટે પહેલ કરી. બજરંગ અગ્રવાલે તેના કાકા પવન મોદી સાથે પણ વાત કરી, ત્યારબાદ બંને પરિવારો અતુલ અને નિકિતા વચ્ચેના વિવાદને ઉકેલવા માટે સંમત થયા. વર્ષ 2021 માં, નિકિતા તેના દીકરા અને પરિવારના સભ્યો સાથે સમસ્તીપુર જિલ્લાના પંજાબી કોલોનીમાં પંકજ જ્યોતિના ઘરે પહોંચી હતી. અતુલ વતી તેના પિતા અને અન્ય સંબંધીઓ આવ્યા હતા. બધા વચ્ચે કલાકોની વાતચીત થઇ હતી.
અતુલ-નિકિતા ભૂતકાળના વિવાદો ભૂલીને ફરીથી સાથે રહે એવો પ્રયાસ કરવામાં આવ્યો, પણ આ બંને વચ્ચે વિવાદોથી ખાઇ એટલી ઊંડી હતી કે કોઇ સમાધાન શક્ય જ નહોતું. આ દરમિયાન અતુલ તેના પિતા સાથે મોબાઈલ પર સતત સંપર્કમાં હતો અને વારંવાર એક જ વાત કહી રહ્યો હતો કે આ લોકો પર વિશ્વાસ ન કરો. તમે જે પણ નિર્ણય લો તે સમજી-વિચારીને જ લો. અંતે પરિણામ એ આવ્યું કે અતુલ અને નિકિતા બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.
પંકજ જ્યોતિએ જણાવ્યું હતું કે અતુલના પિતા અને નિકિતાના પરિવાર વચ્ચે નક્કી થયું હતું કે લગ્નમાં જે પણ ખર્ચ કરવામાં આવ્યો છે તે પરત કરવામાં આવશે તો નિકિતા અતુલ પર કરેલો કેસ પાછો લઇ લેશે. રૂ. 22 લાખમાં સેટલમેન્ટ થયું હતું અને પંકજ જ્યોતિ પાસે પૈસા જમા કરાવવાનું નક્કી થયું હતું, પણ પછી નિકિતા કે અતુલ બંનેમાંથી કોઇના પરિવારે પંકજ જ્યોતિનો સંપર્ક જ નહીં કર્યો. અતુલની આત્મહત્યાની વાત સાંભળીને પંકજ જ્યોતિ હેરાન થઇ ગયો છે. તેમના મુખેથી એક જ વાત નીકળી રહી છે કે, કાશ! જો અતુલ અને નિકિતાએ 2021માં સમાધાન કર્યું હોત તો આજે અતુલ જીવિત હોત!