આમચી મુંબઈટોપ ન્યૂઝ

શિવસેના મહાયુતિના ભાગરૂપે જ લડશે BMC ચૂંટણી

મુંબઈ: મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર હજુ સુધી મંત્રાલયોની વહેંચણી કરી શકી નથી. મહાગઠબંધનનો ભાગ બનેલા શિવસેના, એનસીપી અને ભાજપના નેતાઓ મંત્રાલયોની ફાળવણીને લઈને નિયમિત બેઠકો કરી રહ્યા છે.

એવા અહેવાલો પણ હતા કે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે નારાજ છે, પરંતુ આ બધાની વચ્ચે શિંદેએ આવતા વર્ષે યોજાનારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે.

શિંદેએ કહ્યું હતું કે શિવસેના આવતા વર્ષની BMC ચૂંટણી મહારાષ્ટ્રના શાસક ગઠબંધન મહાયુતિ સાથે રહીને જ લડશે. BMCના ભૂતપૂર્વ કાઉન્સિલરો, પક્ષના વિધાન સભ્યો, સાંસદો અને પદાધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું હતું કે મુંબઈને દેશનું સૌથી મોટું અને સૌથી વિકસિત મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાનું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ કરવા માટે મહાયુતિએ તેની મ્યુનિસિપલ સંસ્થા BMC પર તે જ રીતે નિયંત્રણ રાખવું પડશે જે રીતે તે રાજ્ય અને કેન્દ્રમાં કરી રહી છે.

શિવસેના પ્રમુખ શિંદેએ જણાવ્યું હતું કે, ” તમામ 227 મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડમાંથી BMCની ચૂંટણી મહાયુતિ (ગઠબંધન) તરીકે જ લડવામાં આવશે.” ભાજપ, શિવસેના અને એનસીપી મહાયુતિનો ભાગ છે. શિંદેની આ ટિપ્પણી મહત્વની છે કારણ કે તેમની મુખ્ય હરીફ શિવસેના (UBT), જે વિપક્ષ MVA નો ભાગ છે, તેણે એવો સંકેત આપ્યો છે કે તે BMC ચૂંટણી એકલા લડી શકે છે.

શિંદેએ જણાવ્યું હતું કે તેમની આગેવાની હેઠળની અગાઉની મહાયુતિ સરકારે મુંબઈના વિકાસ કાર્યો અંગે ઘણા પગલાં લીધા હતા જેમાં રસ્તાઓને ખાડામુક્ત બનાવવા, સ્વચ્છતા અભિયાન ચલાવવા અને આરોગ્ય સેવાઓમાં સુધારો વગેરેનો સમાવેશ થાય છે.

મહાગઠબંધન સરકાર દ્વારા તેની પ્રથમ મુદત (30 જૂન, 2022-4 ડિસેમ્બર, 2024)માં કરાયેલા કામની અસર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી હતી. સત્તાધારી ગઠબંધને મુંબઈમાં 36માંથી 22 બેઠકો જીતી હતી.
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા શિંદેએ કહ્યું હતું કે અગાઉ સત્તામાં રહેલા લોકોએ જે કામ કરવું જોઈતું હતું તે કર્યું નથી.

અવિભાજિત શિવસેનાએ 1997 થી 2022 સુધી સતત 25 વર્ષ સુધી દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ સંસ્થા BMC પર શાસન કર્યું હતું. બેઠકમાં, શિંદેની અધ્યક્ષતામાં નવા ચૂંટાયેલા શિવસેના વિધાન સભ્યોએ, સત્તાધારી મહાયુતિ ગઠબંધનના બીજા સૌથી મોટા ઘટક પક્ષને મજબૂત કરવા પર તેમના વિચારો પણ વ્યક્ત કર્યા હતા.
વિધાન સભ્યોએ એ વાત પર ભાર મૂક્યો હતો કે પાર્ટીએ બૂથ સ્તરે કામ કરવું જોઈએ અને મુંબઈમાં પક્ષને મજબૂત કરવાના પ્રયાસો કરવા જોઈએ. મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં સભ્યપદ ઝુંબેશ યોજવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

Also Read – શું અજિત પવાર-શરદ પવાર સાથે આવશે? શિવસેના નેતાનો મોટો દાવો

પાર્ટીના નેતાઓનું માનવું છે કે નવેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાએ જે સફળતા હાંસલ કરી હતી તેને BMC ચૂંટણીમાં પણ આગળ વધારવી જોઈએ. પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 57 બેઠકો જીતી હતી. શિવસેનાએ મુંબઈમાં છ વિધાનસભા બેઠકો જીતી છે, જે તમામ ઉપનગરીય વિસ્તારોમાં છે. તેની મુખ્ય હરીફ શિવસેના (UBT)એ 10 બેઠકો જીતી હતી. BMCના અગાઉના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ તો છેક માર્ચ 2022ની શરૂઆતમાં જ સમાપ્ત થ‌ઈ ગયો હતો અને હવે લગભગ ત્રણ વર્ષ પછી નવી ચૂંટણીઓ યોજાવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button