મેટિનીસ્પેશિયલ ફિચર્સ

રાજ કપૂર @ ૧૦૦ ડબ્બામાં બંધ રાજ કપૂર

આર.કે. નાં ચિત્રપટો તેમજ એમનાં ગીત-સંગીતે સિનેરસિકોને મોજ કરાવી છે, પણ એમની કેટલીક ફિલ્મોથી આપણે વંચિત રહ્યા છીએ....

હેન્રી શાસ્ત્રી

‘ચોર મંડલી’માં અશોક કુમાર – રાજ કપૂર, ‘ઉમ્મીદ’માં રાજ કપૂર – શમ્મી કપૂર

રાજ કપૂરની ફિલ્મો, એમની હીરોઈનો, એમની અલગ શૈલીની વાર્તાની આગવી રજૂઆતનો, એમની ફિલ્મોના ગીત – સંગીતનો આનંદ ફિલ્મ રસિયાઓ અનેક વર્ષોથી લેતા આવ્યા છે અને હજી પણ પ્રસંગોપાત માણવાનું ચૂકતા નથી. આર. કે. ફિલ્મ્સના બેનરની ફિલ્મો હોય કે અન્ય નિર્માતાની ફિલ્મો હોય, રાજ કપૂરે સિને રસિકોનું ભરપેટ મનોરંજન કર્યું છે. આવતી કાલે રાજજીની જન્મ શતાબ્દી છે એ નિમિત્તે એમની એવી કેટલીક ફિલ્મો વિશે જાણીએ, જે તૈયાર કરવાનું નક્કી કર્યા પછી વિવિધ કારણોસર શરૂ ન થઈ કે અધવચ્ચે અટકી પડી કે પૂરી થયા પછી રિલીઝ ન થઈ શકી. પરિણામે ફિલ્મ રસિયાઓ એને માણવાનું ચૂકી ગયા. આવી ડબ્બામાં બંધ પડેલી રાજ કપૂરની ફિલ્મો વિશે જાણીએ. રિલીઝ ન થયેલી એમની એક મહત્ત્વની ફિલ્મ ‘રિપોર્ટર રાજુ’ વિશે અગાઉ ‘મુંબઈ સમાચાર’ની આ કોલમમાં વિગતવાર લેખ લખ્યો હોવાથી એનું પુનરાવર્તન અહીં ટાળ્યું છે.

દિલીપકુમાર – દેવ આનંદ સાથે આપણને એક જ ફિલ્મ (‘ઈન્સાનિયત’ – ૧૯૫૫)માં સાથે જોવા મળ્યા. રાજ કપૂર – દિલીપ કુમાર પણ એક જ ફિલ્મ (મેહબૂબ ખાનની અંદાઝ – ૧૯૪૯)માં સાથે આવ્યા અને રાજ કપૂર – દેવ આનંદ સાથે હોય એવી પણ એક જ ફિલ્મ (શ્રીમાનજી – ૧૯૬૮) હતી. અલબત્ત, આ ફિલ્મમાં રાજ કપૂર રાજ કપૂર તરીકે અને દેવ આનંદ પણ દેવ આનંદ તરીકે હતા અને બંનેનો એક પણ શોટ સાથે નહોતો. એ જ રીતે રાજ કપૂર અને અશોક કુમાર પણ સાથે હોય એવો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જ પ્રસંગ બન્યો છે. ૧૯૫૨માં રિલીઝ થયેલી એ ફિલ્મનું નામ ‘ચોર મંડલી’ હતું. ટ્રેજિક લવસ્ટોરીવાળી આ ફિલ્મની હીરોઈન હતી નરગિસ.૩૦ વર્ષના વહાણાં વીતી ગયા પછી ૧૯૮૨માં રાજ કપૂર અને અશોક કુમારને સાથે ચમકાવતી ફિલ્મ ‘ચોર મંડલી’ રિલીઝ થવાની હતી. ફિલ્મનું બધું કામ આટોપાઈ ગયું હોવા છતાં કાનૂની ગૂંચમાં અટવાઈ જવાને કારણે સિને રસિકો રાજ કપૂરને દાદામુની સાથે જોવાનું ચુકી ગયા. આ ફિલ્મની રસપ્રદ વાત એ છે કે આશા પારેખને પહેલી વાર રાજ કપૂર સાથે જોડી જમાવવાનો મોકો મળ્યો હતો. આશાજીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મને લગભગ દરેક ટોપ હીરો સાથે કામ કરવા મળ્યું હતું. કમનસીબે રાજ કપૂર સાથેની ફિલ્મ રિલીઝ ન થઈ શકી. એ સમયે દિલીપ – રાજ – દેવ સાથે કામ કરવા દરેક હીરોઈન થનગનતી હતી. દેવ સાબ સાથે તો ત્રણ ફિલ્મો કરી (મહલ, કહીં ઔર ચલ અને જબ પ્યાર કિસી સે હોતા હૈ). ‘ચોર મંડલી’ મજેદાર ફિલ્મ બની હતી, પણ સિને રસિકોના નસીબમાં નહોતી.’

આ સિવાય ‘મહલ’, ‘પાકીઝા’ જેવી અવિસ્મરણીય ફિલ્મોના દિગ્દર્શક કમાલ અમરોહીએ અશોક કુમાર, રાજ કપૂર અને શમ્મી કપૂરને લઈ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી પણ એક ગીત અને કેટલાક હિસ્સાનું શૂટિંગ થયા પછી ફિલ્મ ક્યાં ખોવાઈ ગઈ એ કોઈને ખબર જ ન પડી. ‘રાજેશ ખન્ના પ્રેઝન્ટ્સ’ તરીકે એની જાહેરખબર પણ કરવામાં આવી હતી.

આર. કે. બેનર હેઠળ જે ફિલ્મો બની એમાં રાજ કપૂરની ફેવરિટ હતી ‘મેરા નામ જોકર’. જોકે, ૧૯૭૦માં ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર એવી પછડાટ ખાધી કે રાજ કપૂરને બોક્સ ઓફિસ પર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. જોકે, પછી એ કલ્ટ ફિલ્મ સાબિત થઈ અને રણધીર કપૂરના જણાવ્યા અનુસાર ખૂબ કમાણી કરવામાં સફળ પણ રહી. જાણવા જેવી વાત એ છે કે ‘મેરા નામ જોકર’ રિલીઝ થઈ એના સાતેક વર્ષ પહેલા રાજજીને એક ફિલ્મમાં વિદૂષક (જોકર)ના રોલમાં રજૂ કરતી ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યા હતા. ફિલ્મના ડિરેક્ટર હતા નંદલાલ જશવંતલાલ (નાગિન, અનારકલી, ચંપાકલી, આમ્રપાલી વગેરે એમની પ્રખ્યાત ફિલ્મો)અને મુખ્ય ભૂમિકામાં રાજ કપૂરની સાથે વૌજયંતિમાલાને સાઈન કરવામાં આવ્યાં હતા. સર્કસમાં કામ કરતા લોકોના જીવન પર આધારિત કથા હતી. નિર્માણ કંપની ચંદુલાલ શાહની ‘રણજીત મુવિટોન’ હતી.

જોકે, નાણાખેંચને કારણે ફિલ્મના કેટલાક રીલ બની ગયા પછી પડતી મૂકવી પડી હતી. ડબ્બામાં બંધ પડેલી કેટલીક ફિલ્મોનાં દ્રશ્યો અને ગીતો દર્શાવતા ચિત્રપટ ‘ફિલ્મ હી ફિલ્મ’ (૧૯૮૩)માં ‘બહુરૂપિયા’નું એક ગીત અને વૈજયંતીમાલાનું એક નૃત્ય દેખાડવામાં આવ્યું હતું. કહે છે કે આ ફિલ્મ બંધ પડી એ દિવસથી રાજ કપૂરના દિલ – દિમાગમાં જોકર દિવસ રાત ભ્રમણ કરતો હતો, જેને ૧૯૭૦માં ફિલ્મ સ્વરૂપ મળ્યું. ‘બહુરૂપિયા’નું ‘હંસ હંસ કર હસા, મસ્તી મેં ગા, કલ હોગા ક્યા, હોગા ક્યા, ભૂલ જા’ (ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર – જયકિશન, ગાયક મન્ના ડે) યુટ્યુબ પર ઉપલબ્ધ છે. ગીત જોયા પછી ‘મેરા નામ જોકર’નું બીજ અહીં રોપાયું હશે એવું તમને માનવાનું મન થશે. હા, સિને પ્રેમીઓને રાજ કપૂર અને વૈજ્યંતિમાલાની જોડીને ‘નઝરાના’ (૧૯૬૧) અને ‘સંગમ’ (૧૯૬૪)માં જોવાનો મોકો
મળ્યો ખરો.

રાજ કપૂર – નૂતન ત્રણ ફિલ્મમાં જોવા મળ્યા. ત્રણેય ફિલ્મની રિલીઝનો સમય એકબીજાની નિકટનો. ‘અનાડી’ ૧૬ જાન્યુઆરી, ૧૯૫૯, ‘કનૈયા’ ૭ ઓગસ્ટ, ૧૯૫૯ અને ‘છલિયા’ ૧૯૬૦ના માર્ચ મહિનામાં રિલીઝ થઈ હતી. ત્રણેયના દિગ્દર્શક એકમેકથી ભિન્ન. ‘અનાડી’ હૃષીકેશ મુખરજીએ ડિરેક્ટ કરી હતી, ચરિત્ર અભિનેતા તરીકે પ્રખ્યાત ઓમપ્રકાશજીએ ‘કનૈયા’નું દિગ્દર્શન કર્યું હતું અને ૧૯૭૦ – ૮૦ના દાયકામાં મસાલા મુવી મેકર તરીકે છવાઈ ગયેલા મનમોહન દેસાઈ ‘છલિયા’ના ડિરેક્ટર હતા. ત્રણેય ફિલ્મના ગીત – સંગીત સુપરહિટ. આજે પણ લોકોના સ્મરણમાં સચવાયા છે.


Also read: સફળતા ને નિષ્ફળતામાં ફરક ‘પાવર’નો નહી, ‘વિલ-પાવર’ નો હોય છે…


ત્રણેય ફિલ્મને સારો આવકાર મળ્યો હતો. રાજ કપૂર – નૂતનની જોડીની ખાસિયત એ હતી કે બંને ચહેરાના જોરે જ ફિલ્મમાં છવાઈ જતા. રાજ કપૂરની ઘણી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફરની જવાબદારી સંભાળનાર રાધુ કર્માકરએ આર.કે.ની ‘જિસ દેસ મેં ગંગા બહતી હૈ’માં ડિરેક્ટરનો રોલ પણ અદા કર્યો હતો. ૧૯૬૫માં રાજ કપૂરની સહાયથી રાધુ કર્માકરે ૧૯૬૫માં ‘રાજા કી આયેગી બારાત’ ફિલ્મ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવાનું નક્કી કર્યું હતું. સંવાદ ખ્યાતનામ ડાયલોગ રાઇટર વજેન્દ્ર ગૌરના હતા, ગીતકાર હતા શૈલેન્દ્ર અને સંગીતકાર તરીકે શંકર – જયકિશન હતા. રાજ કપૂર – નૂતનની સાથે પ્રાણને પણ સાઈન કરવામાં આવ્યા હતા. જોકે, શૂટિંગ શરૂ થવા પૂર્વે જ કોઈ અજાણ્યા કારણ એનો વીંટો વળી ગયો.

‘છલિયા’ માટે જ્યારે રાજ કપૂરને કહેણ ગયું ત્યારે એમને ભારત – પાકિસ્તાનના ભાગલાની પાર્શ્ર્વભૂમિ પરની વાર્તા પસંદ પડી હતી, પણ એમને મનમોહન દેસાઈની કાબેલિયત પર ભરોસો નહોતો. ફિલ્મના ‘ડમ ડમ ડિગા ડિગા’ના ફિલ્માંકન વખતે આરકે અને એમડી વચ્ચે મતભેદ થયા હતા. જોકે, ગીતની ક્લિપ જોયા પછી રાજ કપૂરને મનમોહન દેસાઈ પર પૂર્ણ ભરોસો બેસી ગયો. ૧૯૬૩માં મનજીએ રાજજીને લઈ ‘છોટી સી દુનિયા’ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી. થોડું શૂટિંગ થયા પછી ફાઇનેન્સરે હાથ ઊંચા કરી દીધા અને ફિલ્મ ડબ્બામાં બંધ થઈ ગઈ.

ફિરોઝ ખાન, કલ્પના અને શશીકલાની ફિલ્મ ‘તીસરા કૌન’ ૧૯૬૫માં આવી હતી. એના બે વર્ષ પહેલા સાધનાના પતિ તરીકે વધુ જાણીતા નિર્માતા – દિગ્દર્શક આર. કે. નય્યર (લવ ઈન સિમલા, યે રાસ્તે હૈં પ્યાર કે)એ ‘તીસરા કૌન’ ફિલ્મ બનાવવાનો પ્રારંભ કર્યો હતો. ફિલ્મ હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં બનાવવાનું સાહસ કરવામાં આવ્યું હતું. પ્રમુખ કલાકાર હતા રાજ કપૂર, સાયરાબાનુ અને જોય મુખરજી. જોકે, કોઈ અકળ કારણોસર આ ફિલ્મની ગાડી બહુ વહેલી પાટા પરથી ખડી પડી. ત્યારબાદ ૧૯૬૭માં આવેલી મહેશ કૌલ દિગ્દર્શિત ‘દીવાના’ રાજજી અને સાયરાબાનુની પહેલી અને અંતિમ ફિલ્મ સાબિત થઈ. એમ તો રાજ કપૂર, શમ્મી કપૂર અને અમજદ ખાનને લઈ ‘ઉમ્મીદ’ ફિલ્મ શરૂ કરવામાં આવી હતી. જોકે, ૧૫ ટકા શૂટિંગ થયા પછી એ અભરાઈ પર ચડી ગઈ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button