ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ સુધારો
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ચીનના સ્ટિમ્યુલસ પેકેજના આશાવાદ સાથે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશ હતાસ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૧ અને રૂ. ૨૫નો ચમકારો આવ્યો હતો અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર વાયરબાર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો, જ્યારે નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
દરમિયાન આજે મોડી સાંજે ચીન ખાતે સમાપન થનારી સેન્ટ્રલ ઈકોનોમિક વર્ક કોન્ફરન્સમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વધુ સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરવામાં આવે તેવા આશાવાદ હેઠળ લંડન ખાતે સત્રના આરંભે કોપરના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જ્યારે અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. દરમિયાન આજે સ્થાનિક ધાતુ બજારમાં મુખ્યત્વે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૩૧ વધીને રૂ. ૨૬૧૯ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૨૫ વધીને રૂ. ૧૩૮૫ના મથાળે રહ્યા હતા.
Also read: સ્ટાર-યાર-કલાકાર : વિચાર ને વિદ્રોહના મજબૂત છતાં મજેદાર શાયર કૈફી આઝમી
આ સિવાય વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૮૩૩ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૯૭, રૂ. ૭૮૯ અને રૂ. ૨૫૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. ૭૩૦ના મથાળે રહ્યા હતા, જ્યારે અન્ય તમામ ધાતુઓમાં ખપપૂરતી છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.