સુરતમાં બની રહસ્યમય ઘટના, યુવકને ન થયું દર્દ કે ન નીકળ્યું લોહી ને કપાઈ ગઈ ચાર આંગળી
Surat News: ગુજરાતના સુરતથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં યુવકની ચાર આંગળી કપાઈ ગઈ હતી અને તેને ખબર પણ પડી નહોતી. આંગળી કપાયા બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આગંળી કઈ રીતે કપાઈ તેની તપાસ શરૂ કરી છે.
જાણકારી મુજબ, સુરત શહેરના કતારગામ વિસ્તારની શ્રીજી સોસાયટીમાં રહેતો યુવક વ્યવસાયે એકાઉન્ટન્ટ છે. 8 ડિસેમ્બરની રાતે તેઓ મિત્રને મળવા રિંગ રોડ પર આવેલા વેદાંત સર્કલ પહોંચ્યા હતા. આશરે 1 કલાક રાહ જોયા બાદ પણ તેનો મિત્ર આવ્યો નહોતો. જે બાદ મિત્રએ તેને ફોન કરીને હાલ નહીં આવી શકે તેમ કહ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં 3 છોકરીઓની છેડતી કરનારો ઝડપાયો, CCTV માં કેદ થઈ હતી ઘટના…
યુવક તેના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં લઘુશંકા લાગતાં ઉભો રહ્યો હતો. જે બાદ તેને ચક્કર આવ્યા હતા અને બેભાન થઈને પડી ગયો હતો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે હાથની આંગળીઓ ગાયબ હતી. આ જોઈ તે ખૂબ પરેશાન થઈ ગયો હતો. તેણે તાત્કાલિક આ અંગે મિત્રને જાણ કરી હતી. સમાચાર મળતાં જ મિત્ર ત્યાં પહોંચી ગયો હતો અને તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડૉક્ટરોએ તેની સારવાર કરી અને કપાયેલી આંગળીઓની સારવાર કરીને તેને રજા આપી હતી. જે સમયે તેની આંગળીઓ કપાઈ હતી ત્યારે તેને દર્દ પણ થયું નહોતું. આ મામલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે શું કહ્યું
પોલીસે ઘટનાસ્થળથી લઈ 400 મીટર સુધીના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ પોલીસને લોહીનું એક ટીપું પણ મળ્યું નહોતું. આ ઉપરાંત આંગળી તે જગ્યાએ જ કપાઈ હોવાના કોઈ પુરાવા પણ મળ્યા નહોતા. હાલ તે ખુલીને કોઈ બોલવા તૈયાર નથી. તેની આંગળી ક્યારે અને કેવી રીતે કપાઈ તેનું જ રટણ કરી રહ્યો છે.
સુરત પોલીસ માટે પણ ઘટના બની રહસ્ય
સુરત પોલીસે જણાવ્યું કે, હાલ પોલીસ યુવક દ્વારા જણાવવામાં આવેલી વાતના આધારે તપાસ કરી રહી છે. તપાસ શરૂ છે અને પૂરી થયા બાદ જ કંઈ કહી શકાશે. તેની આંગળી કેવી રીતે કપાઈ તે જાણવું જરૂરી છે. યુવક દ્વારા બતાવવામાં આવેલી જગ્યા પર તપાસ કરવામાં આવી પણ ત્યાંથી કોઈ પુરાવા મળ્યા નથી. યુવકે પોલીસને જણાવ્યું કે, તેની કોઈ સાથે દુશ્મની નથી અને જ્યારે તેની સાથે આ ઘટના બની ત્યારે તેને સહેજ પણ દુખાવો થયો નહોતો.