શું અજિત પવાર-શરદ પવાર સાથે આવશે? શિવસેના નેતાનો મોટો દાવો
મુંબઈ: એનસીપી પાર્ટીમાં ઊભી ફાટ પડ્યા પછી આ વર્ષની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં અજિત પવાર વિરુદ્ધ શરદ પવારનો સંઘર્ષ જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીનો સારો દેખાવ જોવા મળ્યો હતો, જ્યારે અજિત પવારની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો. દરમિયાન વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ અજિત પવાર અને શરદ પવાર ગુરુવારે પ્રથમ વખત મળ્યા હતા. આ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. દરમિયાન, શિવસેના (એકનાથ શિંદે) પાર્ટીના નેતા સંજય શિરસાટે આ બંને નેતાઓના એકસાથે આવવાને લઈને મોટું નિવેદન આપ્યું છે.
રાજકીય વર્તુળોમાં અજિત પવાર અને શરદ પવાર ભવિષ્યમાં એકસાથે આવી શકે છે તેવી ચર્ચા વિશે પૂછવામાં આવતાં સંજય શિરસાટે કહ્યું, તે શરદ પવાર છે. શરદ પવારનો સ્વભાવ એવો રહ્યો છે કે તેમણે ક્યારેય પોતાની જાતને એક પક્ષ સાથે જોડી નથી. તેઓએ ઘણી વખત કોંગ્રેસ પાર્ટી છોડી અને ઘણી વખત પાછા કોંગ્રેસ સાથે ગયા હતા. તેમણે શિવસેના સાથે સરકાર ચલાવી હતી, જેની સાથે તેમની અગાઉ દુશ્મની હતી… તેથી તેમને અજિત પવાર સાથે જવામાં કોઈ સમસ્યા હોઈ શકે નહીં.
‘લોકો કહે છે, પરંતુ એવું પણ બની શકે છે કે બંને ભવિષ્યમાં સાથે આવી જાય. છેલ્લા એક મહિનાથી શરદ પવાર અને સુપ્રિયા સુળે પર નજર કરીએ તો લાગે છે કે તેમની વચ્ચે ચર્ચા ચાલી રહી છે. તેથી એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં તમામ નેતાઓ એક સાથે આવશે અને તેમણે સાથે આવવું પણ જોઈએ. સુપ્રિયા સુળે અને અજિત પવાર ગમે તે હોય તો શરદ પવારના વારસદાર છે. જો તેમને સાથે લાવવામાં આવશે, તો રાજકારણમાં ફરીથી વિવિધ સમીકરણો શરૂ થશે, એમ શિરસાટે કહ્યું હતું.
શું તમને લાગે છે કે બંને નેતાઓએ સાથે આવવું જોઈએ? આ અંગે શિરસાટે કહ્યું, તેઓ એક સાથે આવશે તેમાં કોઈ મોટી વાત નથી. તેઓ પવાર (પરિવાર) છે, ગમે ત્યારે સાથે આવી શકે છે. જો આપણે સાથે આવીએ તો અમને કોઈ વાંધો નથી. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. શું ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે સાથે આવવાની શક્યતા છે? એવો સવાલ જ્યારે શિરસાટને કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, અત્યારે તે શક્ય નથી, ભવિષ્યમાં શું થાય છે તે જોવાનું રહેશે.