લોકોને કાયદાનો ડર જ રહ્યો નથીઃ વધતા અકસ્માતો અંગે ગડકરીએ આપ્યું મોટું નિવેદન
દેશમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં ૬૦ ટકા ૧૮-૩૪ વર્ષની વય જૂથના
નવી દિલ્હીઃ દેશમાં રોજબરોજ વધી રહેલા રોડ અકસ્માત અંગે કેન્દ્ર સરકારે તાજેતરમાં ચિંતા સેવી છે. વધી રહેલા અકસ્માતો અંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. દેશમાં દર વર્ષે ૧.૭૮ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. જેમાંથી ૬૦ ટકા મૃતકો ૧૮-૩૪ વર્ષની વય જૂથના હોય છે. આ જાણકારી માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નિતિન ગડકરીએ આજે લોકસભામાં આપી હતી.
કેન્દ્રીય પ્રધાને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે લોકોને કાયદાનો કોઇ ડર નથી અને કેટલાક લોકો હેલમેટ વિના ટુ-વ્હીલર ચલાવે છે અને કેટલાક લાલ બત્તીનું ઉલ્લંઘન કરે છે. તેમણે પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું કે દુર્ભાગ્યની વાત એ છે કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧.૭૮ લાખ લોકોમાંથી ૬૦ ટકા લોકો ૧૮ થી ૩૪ વર્ષની વય જૂથના છે. તેમ છતાં કાયદાનો કોઇ ડર નથી. કેટલાક લોકો હેલમેટ પહેરતા નથી. કેટલાક લોકો લાલ બત્તીનું ઉલ્લંઘન કરે છે.
આ પણ વાંચો: રોડ સુરક્ષા અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને રોકવા સરકાર અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સજ્જઃ ગડકરી
તેમણે કહ્યું કે આ એક ‘વિચિત્ર’ સ્થિતિ છે. પૂરક પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુમાં ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે, જ્યારે શહેરોમાં દિલ્હી આવા મૃત્યુના મામલે ટોચ પર છે.
ઉત્તર પ્રદેશમાં ૨૩,૦૦૦થી વધુ લોકો અથવા કુલ મૃત્યુના ૧૩.૭ ટકા માર્ગ અકસ્માતોને કારણે થયા છે. ત્યારબાદ તમિલનાડુમાં ૧૮,૦૦૦થી વધુ(૧૦.૬ ટકા) મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં આ આંકડો ૧૫,૦૦૦થી વધુ અથવા કુલ મૃત્યુના ૯ ટકા છે. ત્યાર બાદ મધ્યપ્રદેશમાં ૧૩,૦૦૦થી વધુ(૮ ટકા) મૃત્યુ થયા છે.
શહેરોમાં દિલ્હી ૧૪૦૦થી વધુ મોત સાથે સૌથી આગળ છે, ત્યારબાદ બેંગલુરુ ૯૧૫ મોત સાથે બીજા ક્રમે છે. જયપુરમાં માર્ગ અકસ્માતોને કારણે ૮૫૦ લોકોના મોત નોંધાયા છે.