કેબિનેટ વિસ્તરણના તારીખ અને સમય નક્કી, 35 પ્રધાનો શપથ લેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખરે કેબિનેટ વિસ્તરણની તારીખ પર મહોર લાગી ગઈ છે. કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ 14 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 35 પ્રધાનો શપથ લેવાના છે. સૂત્રોએ જણાવ્યું છે કે કેબિનેટ વિસ્તરણમાં અજિત પવારની માગણીને મંજૂરી આપવામાં આવી છે. એક અગ્રણી દૈનિકે આપેલી માહિતી અનુસાર, એવું માનવામાં આવે છે કે મહાયુતિની ફોર્મ્યુલા 20-10-10ની રહેશે.
કેબિનેટનું વિસ્તરણ શિયાળુ સત્ર પહેલા થશે એવું મુખ્ય પ્રધાન ફડણવીસે વિધાનસભાના વિશેષ સત્રના છેલ્લા દિવસે કહ્યું હતું. ભાજપ પાસે સૌથી વધુ વિધાનસભ્યો હોવાને કારણે તેઓનો હાથ ઉપર રહેશે. જાણવા મળ્યું છે કે ત્રણેય પક્ષોના મળીને 35 પ્રધાનો 14 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે શપથ લેશે.
કેબિનેટ વિસ્તરણને લઈને ભાજપનો જ દબદબો રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. ભાજપ પાસે સૌથી વધુ 20 ખાતા હોવાની શક્યતા છે. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારને 10-10 ખાતા મળશે.
આ પણ વાંચો: જો અજિત પવારને નાણાં ખાતું ન મળે તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેશે નહીં
કોની પાસે કયું ખાતું?
દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે દિલ્હીમાં થયેલી ચર્ચામાંથી કેટલાક મહત્વના મુદ્દાઓ બહાર આવી રહ્યા છે. ગૃહ અને નાણાં જેવા મહત્વના ખાતા ભાજપ પાસે જ રહેશે. શિવસેનાને નગર વિકાસ ખાતું મળશે તેવું અનુમાન છે. એનસીપી (અજિત પવાર જૂથ)ને મહેસુલ ખાતું મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ જાહેર બાંધકામ ખાતું અન્ય પક્ષને સોંપવા માટે તૈયાર થઈ ગયો છે.
મુંબઈમાં મહાયુતિની બેઠક બાદ કેબિનેટ વિસ્તરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે આ બેઠક યોજાય તેવી શક્યતા છે. સૂત્રોએ માહિતી આપી હતી કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથેની અંતિમ બેઠક પછી ફોર્મ્યુલા ફાઈનલ કરાશે.
દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાલમાં દિલ્હીમાં છે. દેવેન્દ્ર ફડણવીસ ભાજપના વરિષ્ઠ નેતાઓને મળવા માટે દિલ્હી પહોંચી ગયા છે. તાજેતરમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પહેલા બુધવારે તેમણે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં ખાતાની ફાળવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.