આમચી મુંબઈ

માનવ તસ્કરીના કેસમાં ડિજિટલ એરેસ્ટ: વિદેશ વસતા વૃદ્ધ સાથે 10 લાખની ઠગાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
માનવ તસ્કરીના કેસમાં સંડોવણીનું જુઠ્ઠાણું ચલાવી ડિજિટલ એરેસ્ટના નામે હોંગકોંગથી આવેલા 81 વર્ષના સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે સીબીઆઈ અધિકારીના સ્વાંગમાં 10 લાખ રૂપિયા પડાવ્યા હતા.

સાંતાક્રુઝ પશ્ર્ચિમમાં રહેતા વૃદ્ધે નોંધાવેલી ફરિયાદને આધારે સાંતાક્રુઝ પોલીસે બુધવારે અજાણ્યા શખસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદીએ જે બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેની વિગતોને આધારે પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ડિજિટલ એરેસ્ટ ફ્રોડ: સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે 71 લાખ પડાવ્યા…

પોલીસ ફરિયાદ અનુસાર નિવૃત્ત જીવન ગાળતા ફરિયાદી હોંગકોંગમાં પુત્ર સાથે રહેતા હતા. હોંગકોંગમાં સખત ઠંડીને કારણે તાજેતરમાં મુંબઈ પાછા ફરેલા ફરિયાદી સાંતાક્રુઝના ફ્લૅટમાં એકલા રહેતા હતા. નવ ડિસેમ્બરે ફરિયાદીને અજાણ્યા મોબાઈલ નંબર પરથી વીડિયો કૉલ આવ્યો હતો. કૉલ કરનારી વ્યક્તિએ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી તરીકે આપી હતી.

તપાસ દરમિયાન માનવ તસ્કરી અને મની લોન્ડરિંગના કેસોમાં ફરિયાદીની સંડોવણી સામે આવી હોવાનું આરોપીએ જણાવ્યું હતું. ડિજિટલ હાઉસ એરેસ્ટ કરવામાં આવી હોવાનું જણાવી ફરિયાદીને કોઈનો પણ સંપર્ક સાધવાની મનાઈ કરવામાં આવી હતી. બાદમાં કાર્યવાહીનો ભય દેખાડી ફરિયાદીને રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું.
ડરના માર્યા ફરિયાદીએ આરોપીએ જણાવેલા બૅન્ક ખાતામાં આરટીજીએસ દ્વારા 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે બાદમાં આરોપીનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતો હતો. પોતે છેતરાયાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button