પવન ઊર્જા કંપની પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા વિરુદ્ધ ગુનો
છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લામાં પવન ઊર્જા કંપની પાસે બે કરોડ રૂપિયાની માગણી કરવા બદલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને અન્ય બે વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આ કેસના બે આરોપી જિલ્લાના કેજ તહેસીલમાં ગામના સરપંચની બે દિવસ અગાઉ કરાયેલી હત્યાના મામલામાં વોન્ટેડ છે.
મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની સોમવારે અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં છ આરોપીઓમાં વિષ્ણુ ચાટે અને સુદર્શન ઘુલેનાં નામ પણ છે.
પવન ઊર્જા કંપની અવાદા એનર્જીના અધિકારીઓ પાસેથી મસાજોગ ગામ નજીક તેમના વિન્ડ ફાર્મને ચલાવવાની મંજૂરી આપવા માટે કથિત નાણાંની માગણી કરવા બદલ કેજ પોલીસ સ્ટેશનમાં બુધવારે વાલ્મિક કરાડ, ચાટે અને ઘુલે સામે બીજો ગુનો દાખલ કરાયો હતો. કરાડ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નેતૃત્વ હેઠળની એનસીપીનો સ્થાનિક નેતા છે.
આ પણ વાંચો : મુંબઈ-થાણે બાદ છત્રપતિ સંભાજીનગરમાં વાઘની ગર્જના
અવાદા એનર્જીના પ્રોજેક્ટ ઓફિસર સુનીલ શિંદેએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે ચાટેએ તેમને ગયા મહિને કરાડના કહેવાથી ફોન કર્યો હતો અને કંપનીને તેનાં ઑપરેશન્સ બંધ કરવાનું કહ્યું હતું. જો તેમ ન થાય તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી અપાઇ હતી. ઘુલે એ જ બપોરે તેની ઓફિસમાં આવ્યો હતો અને ધમકી આપી હતી.
કેટલાક દિવસ અગાઉ વાલ્મિક કરાડે આ જ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા શિવાજી થોર્પેને પર્લી ખાતે બોલાવ્યો હતો અને જો કંપની આ વિસ્તારમાં તેનાં ઑપરેશન્સ ચાલુ રાખવા માગતી હોય તો બે કરોડ રૂપિવા પડશે, એવું જણાવ્યું હતું. (પીટીઆઇ)