સાણંદમાં એનઆઈએનું સર્ચ ઓપરેશનઃ મસ્જિદ અને મદરેસાની તપાસમાં એક વ્યક્તિની અટકાયત
અમદાવાદઃ એનઆઇએ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત વિવિધ રાજ્યોમાં તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં એનઆઈએ (NIA Search operation in Sanad) દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને ગુરૂવારે વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાણંદમાં મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએ દ્વારા અટકાયત (detain) કરીને પૂછપરછ હાથ ધરી હતી.
આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશન મુદ્દે અટકાયત કરવામાં આવેલા શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરાઈ હતી. એનઆઈએ દ્વારા અટકમાં લેવાયેલા શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું જાણવા મળ્યું હતું. આદિલ ચેખલા ગામની મદરેસામાં કામ કરે છે અને તે ઓનલાઇન કટ્ટરપંથી જૂથનો સભ્ય હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. મસ્જિદ અને મદરેસામાંથી જરૂરી પુરાવાઓ અને ડોકયુમેન્ટ એનઆઈએ દ્વારા કબજે લેવાયા હોવાની વિગતો જાણવા મળી હતી. પરંતુ આ મુદ્દે હજી એનઆઈએ દ્વારા કોઈ મોટો ખુલાસો કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : છ વર્ષ પછી અમદાવાદ-રાજકોટ હાઈ-વેના સિક્સલેનનું કામકાજ છે અધૂરું, જાણો કારણ?
બીજી બાજુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ આ મુદ્દે કશું જ કહેવા તૈયાર નથી. મદરેસામાં નોકરી કરતો આદિલ જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાઈ ગયો હોવાની વિગતો સેન્ટ્રલ એજન્સીને મળી હતી. જેના આધારે અમદાવાદ જિલ્લા પોલીસની મદદથી તેની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત જ નહીં, જમ્મુ-કાશ્મીર, અસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં અનેક ઠેકાણે આજે સવારથી એનઆઈએની દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન આતંકવાદી ગતિવિધિઓને મૂળથી જ ડામી દેવાના પ્રયાસ પર કેન્દ્રિત છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વધુને વધુ યુવાનોને કટ્ટરવાદી બનાવવા અને સંગઠનમાં ભરતી કરવા મોટાપાયે પ્રચાર કરી રહ્યું છે. જેને ડામવા માટે એનઆઈએ સક્રિય થઈ ગયું છે.