આપણું ગુજરાતકચ્છ

કચ્છ પર શીતલહેરનો પ્રકોપ યથાવત: નલિયા ૭.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક

ભુજઃ ઉત્તર ભારતમાં સતત થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ રણપ્રદેશ કચ્છમાં ઉભી થયેલી કોલ્ડવેવની પરિસ્થિતિ યથાવત રહી છે અને હજુ પણ ઠંડીમાં નોંધપાત્ર રાહત મળવાના કોઈ આસાર જણાઈ રહ્યા નથી. અચાનક ઠંડીની ગિરફ્તમાં આવી ચૂકેલા કચ્છના કાશ્મીર ગણાતાં અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ૭.૮ ડિગ્રી સેલ્સિયસ પર અટકતાં નલિયા શહેરે જાણે થીજી જવાનું શરૂ કર્યું છે અને ગુજરાતનું પ્રથમ નંબરનું સૌથી ઠંડુ મથક બનવા પામ્યું છે. જિલ્લા મથક ભુજમાં આજે લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ પર જયારે મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી પર પહોંચ્યો છે અને દિવસભર લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.

અધૂરામાં પૂરું સતત ઉત્તર દિશાએથી વાઈ રહેલા ઠંડા હિમપવનોએ ઠંડીની ધાર વધુ તેજ બનાવતાં બપોરે પણ ઠંડી પડી રહી છે અને લોકોને સતત ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને રહેવું પડી રહ્યું છે. નાતાલ પર્વના આગોતરા વધામણાં સમા ફ્રેશ સ્નોફોલની અસર હેઠળ રાજ્યભરમાં આગામી ત્રણ-ચાર દિવસ ઠંડીની વર્તમાન પરિસ્થિતિ યથાવત રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

આ પણ વાંચો : ભુજના લોરીયા પાસે કેમિકલ ભરેલું પલટ્યું; લોકોની આંખો-ત્વચામાં બળતરાથી ભય…

દરમિયાન, કોલ્ડવેવના કારણે કચ્છમાં શરદી, ખાંસી, તાવ અને ઝાડા, ઉલ્ટીના કેસમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. સવાર-સાંજ ઠંડીના એકધારા આક્રમણથી ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. આ પ્રકારની ઋતુથી શરદી, ખાંસી અને કફના દર્દી વધ્યા હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button