‘સોરોસ સાથે સોનિયાનો શું સંબંધ છે?’ જે. પી. નડ્ડાના કૉંગ્રેસ પર પ્રહારો
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ભારે હોબાળો થયો હતો. ગૃહના નેતા કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જેપી નડ્ડાએ વિપક્ષ પર સોરોસ મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો હતો. જેપી નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ અધ્યક્ષ પર જે પ્રકારના આરોપો લગાવ્યા છે તે નિંદાને પાત્ર છે. ખડગેએ અધ્યક્ષ માટે અપમાનજનક ટિપ્પણી કરી છે અને તેમને ચેરમેનને બદલે ચીયરલીડર ગણાવ્યા છે.
જેપી નડ્ડાએ રાજ્યસભામાં કહ્યું હતું કે કૉંગ્રેસે સોરોસનો સોનિયા સાથે શું સંબંધ છે જણાવવું જોઇએ. આ દેશની આંતરિક સુરક્ષાનો મામલો છે. રાજ્યસભાના અધ્યક્ષનું અપમાન કરવામાં આવ્યું છે. અમે નિંદા પ્રસ્તાવ લાવીશું. દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. દેશની જનતા કૉંગ્રેસને માફ નહીં કરે.
એ જ સમયે અધ્યક્ષને હટાવવાની દરખાસ્ત અંગેની નોટિસને ગંભીર બાબત ગણાવતા રિજિજુએ કહ્યું હતું કે વિપક્ષ લોકશાહીની ગરિમાનું અપમાન કરે છે અને તેમની સામે અર્થહીન આરોપો કરે છે. તેઓને લોકશાહીમાં વિશ્વાસ જ નથી. સોરોસ સાથે સોનિયા ગાંધીના સંબંધોનો અહેવાલ વિશ્વ સમક્ષ છે. તેથી જ કૉંગ્રેસ ભારતમાં રહીને સોરોસની ભાષા બોલે છે.
નડ્ડાના આરોપોના જવાબ આપતા વિપક્ષના નેતા ખડગેએ કહ્યું હતું કે સરકાર સંસદ ચલાવવા માગતી નથી. ભાજપ વાસ્તવિક મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. ખડગે જ્યારે ગૃહમાં બોલી રહ્યા હતા ત્યારે અધ્યક્ષ ધનખરે હંગામાને કારણે રાજ્યસભા સ્થગિત કરી દીધી હતી.
આ પણ વાંચો : આ છે દુનિયાની સૌથી સુંદર શાલ, PM Narendra Modi પણ ખુશીથી કરે છે સ્ટાઈલ…
ગૃહ સ્થગિત કર્યા બાદ નડ્ડાએ સંસદ પરિસરમાં જણાવ્યું હતું કે ખડગેને ગૃહમાં બોલવાની પૂરતી તક આપવામાં આવી હતી, પણ તેમણે ઇનકાર કર્યો હતો. તેમને અનેકવાર ચેમ્બરમાં પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ગયા નહોતા. સ્પષ્ટ છે કે કૉંગ્રેસ ગૃહમાં અરાજકતા ફેલાવવા માગે છે, તેથી જ ગૃહમાં સહકાર નથી આપી રહી.