છ વર્ષ પછી અમદાવાદ-રાજકોટ હાઈ-વેના સિક્સલેનનું કામકાજ છે અધૂરું, જાણો કારણ?
ક્યા ચોઘડિયામાં કામકાજ હાથ ધર્યું હતું, વાહનચાલકોનો એક જ સવાલ?
અમદાવાદ: “તારીખ પર તારીખ”નો સંદર્ભ આપણે કોઈ કોર્ટની કાર્યવાહીને ટાંકીને આપતા હોઈએ છીએ પરંતુ અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઇવેની કામગીરીની માટે પણ તે યથાર્થ ઠરે છે. કારણ કે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇ-વે નંબર 47ની સિક્સલેનની કામગીરીની આજ છ-છ વર્ષનાં વાણાં વાઈ ગયાં હોવા છતાં હજુ પૂર્ણ થયો નથી.
પ્રસ્તાવિત પ્રોજેક્ટની પૂર્ણતાની ડેડલાઇનમાં સતત વધારો કરવામાં આવતો રહ્યો છે. અંતે છઠ્ઠી વખત આ પ્રોજેક્ટની ડેડલાઇન વધારવામાં આવી છે. લોકો પણ પ્રોજેક્ટની કામગીરીથી ખૂબ જ હેરાન થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે 2018માં કોઈક અવળા ચોઘડિયામાં જ કામ શરૂ કરવામાં આવ્યું હશે, એટલે જ આજદિન સુધી પૂર્ણ નથી થઈ શક્યું.
3 મહિનામાં કામકાજ પૂર્ણ કરવાનો દાવો
નેશનલ હાઇ-વેને સિક્સ લેનમાં પરિવર્તિત કરવાની કામગીરીમાં સતત વિલંબ થઈ રહ્યો છે અને જોતજોતાંમાં જ છ વર્ષ જેટલો સમય વિતી ચૂક્યો હોવા છતાં આજદિન સુધી પૂરું થઈ શક્યું નથી. તેની ડેડલાઇન પણ સતત વધારવામાં આવી રહી છે. રૂપિયા 3350 કરોડના આ પ્રોજેક્ટની કામગીરીમાં રાજકોટથી બગોદરા સુધીના અંતરમાં 3 બ્રિજ માટેની કામગીરી હજુ પણ બાકી છે, તેને આગામી 3 માસમાં પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જમીન પરની હકીકત એ છે કે આ કામગીરી જૂન 2025 સુધીમાં પણ પૂર્ણ થશે કે નહિ તે એક મોટો સવાલ છે.
બે મુખ્ય પ્રધાનનો કાર્યકાળ જોયો
રાજકોટ-અમદાવાદને જોડનારા નેશનલ હાઇવેને ફોર લેનમાંથી સિક્સ લેનમાં પરિવર્તન કરવાની વિચારણા આજથી 14 વર્ષ પહેલા છેક વર્ષ 2011માં શરૂ થઈ હતી. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ પ્રોજેક્ટ માટે વર્ષ 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હતું. હાઇવેની કામગીરી વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી, તેમ છતાં તેને છ વર્ષ વીતવા છતાં આજદિન સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી.
Also Read – Ahmedabad: ટ્રેન મુસાફરો કૃપયા ધ્યાન આપો! એન્જિનિયરિંગ કામને લીધે આ ટ્રેનો થશે પ્રભાવિત…
સતત વધી ડેડલાઇન
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેની કામગીરીએ બે-બે મુખ્ય પ્રધાનનો કાર્યકાળ જોયો છે, તેના ખાતમુર્હુત સમયે આ સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હતા. પ્રોજેક્ટની કામગીરીને અત્યાર સુધીમાં છ વખત ડેડલાઇન વધારવામાં આવી છે. પહેલી મુદ્દત 2020માં, બીજી મુદ્દત 30 જૂન 2023માં, ત્રીજી મુદ્દત ડિસેમ્બર 2023, ચોથી મુદ્દત માર્ચ 2024 અને હવે પાંચમી મુદ્દત ઓક્ટોબર 2024 આપવામાં આવી હતી તેમ છતાં હજુ કામ અધૂરું છે.