લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ ખોટી પ્રશંસા દોરી જાય ખોટે રસ્તે…

શ્વેતા જોષી-અંતાણી

પંદર વર્ષની હિયા, સવારથી પાંચમી વખત પૈસાની માગણી કરી ચૂકેલી. છઠ્ઠી વખત જ્યારે એણે ધરાર જીદ્દ કરી ત્યારે એને માત્ર સો રૂપિયા આપવામાં આવ્યા. અરે, આટલા પૈસાથી શું થાય?’ હિયાએ છણકો કર્યો. કેમ તારે શું કરવું છે?’ પહેલાં ક્યારેય પુછાયો ના હોય એવો પ્રશ્ર્ન આજે મમ્મી તરફથી સામે આવ્યો. પપ્પાનું પર્સ જેને ગમે ત્યારે લેવાની છૂટ હોય એને આવો પ્રશ્ર્નો કઈ રીતે પચે?

હિયા મૂંઝાય ગઈ. સો રૂપિયામાં એનું શું થશે? એણે પોતાની ફ્રેન્ડ્સ ગેંગને પ્રોમિસ કરેલું કે આ વિકેન્ડના મ્યુઝિક કોન્સર્ટની ટ્રીટ એના તરફથી. એણે ઘડિયાળ તરફ જોયું. બુકિંગ શરૂ થવાને ખાલી અડધોજ કલાકની વાર છે અને પાંચ ટિકિટના પૈસાની જોગવાઈ થાય એમ નથી.

હવે શું કરવું? અચાનક મમ્મીએ એક પાર્ટીમાં એની ફ્રેન્ડ્સ સાથે કરેલી વાતચીત યાદ આવી : ‘મેં તો દુનિયાભરના એન્ટિક આર્ટિફેક્ટ્સનો ખજાનો ભેગો કર્યો છે. આજે વેંચવા જઈએ તો લાખો રુપિયા આવે…’

આહા! હિયાના મનમાં વિચાર ઝબકયો. એ ઉત્સાહના અતિરેકમાં લગભગ ઠેકડો મારી ઊભી થઈ. અને ડાઈનિંગ રૂમ તરફ આગળ વધી. ત્યાં ખૂણામાં રાખેલા એક યુનિક વાઝ પર એની નજર પડી.

નાના-મોટા ક્રિસ્ટલની ફરતે કોપરના કોટિંગથી એ રોયલ લાગી રહ્યો હતો, જેના ચળકાટે હિયાના ચહેરાને પણ ચમકાવી દીધો.

શનિવાર આવતાં હિયા અને એની ફ્રેન્ડ્સ કોન્સર્ટમાં પહોંચી ગયા. હિયાએ ગુમાનભેર એન્ટ્રી પાસ પર્સમાંથી કાઢી હવામાં લહેરાવ્યા. વાઝ વહેંચીને મળેલા દસ હજાર રૂપિયામાંથી એણે આ જુગાડ કરી લીધેલો. દર વખતે હિયાએ કરેલા ખર્ચાના જોરે મોજમજા કરવામાં કંઈ બાકી ના રાખનારી એની ફ્રેન્ડ્સમાંથી કોઈએ નાસ્તાનું યાદ કરાવ્યું એટલે હિયાએ બાકી વધેલા ત્રણેક હજાર પણ ખર્ચી નાખ્યા.

પાછા ફરતા બધા હિયાને થેંકયુ…થેંક્યુ’ કહેવા લાગ્યા. સોશ્યલ મીડિયા પર હિયાએ આપેલી ગ્રાન્ડ ટ્રીટને વખાણવા ફોટોઝ પોસ્ટ કરી હિયાને ટેગ કરવા લાગ્યા. હિયાને તો જાણે યુફોરિયા થઈ ગયું. રાજી થતી એ રાત્રે નિરાંતનો શ્ર્વાસ ખેંચી ઉંઘી ગઈ.

બીજી દિવસે સવારે હિયાએ ચાલાકીપૂર્વક વાઝની જગ્યાએ બીજી વસ્તુઓ એવી રીતે ગોઠવી કે એન્ટિક આર્ટિફેક્ટ્સથી સજ્જ ઘરમાં એકાદ અઠવાડિયા સુધી તો એના પર કોઈનું ધ્યાન જ ના ગયું, પણ એક દિવસ જમતી વખતે અચાનક મમ્મીનું ધ્યાન ગયું,

‘અરે યાર, મારો બ્રાસ વાઝ ક્યાં ગયો?’

સૌથી પહેલા તો ઘરના નોકર-ચાકરને પૂછવામાં આવ્યું, પણ બધાનો જવાબ નકારમાં હતો. હિયા બુક્સ વાંચવાના બહાને આ બધું સાંભળી રહી હતી. ખેર, ક્યાંક આડા હાથે મૂકાય ગયું હશે’ એમ માની એ સમયે તો વાત જાણે ભૂલાઈ ગઈ.

હવે હિયાની હિંમત ખૂલી. એ જરૂર પડ્યે ઘરમાંથી નાની-મોટી એન્ટિક વસ્તુઓ ચોરવા લાગી. એને વેચી પોતાના મોજ-શોખ પૂરા કરવાની સગવડતા કરી લેતી, પણ જ્યારે મોંઘી એવી પાંચેક વસ્તુઓ ગાયબ થઈ ત્યારે ઘરમાં દેકારો બોલી ગયો. મમ્મીએ પપ્પાને વાત કરી, પણ પપ્પા પોતાની વ્યસ્તતા વચ્ચે આવા મુદ્દાઓ માટે નવરાશ નહોતી.

આમ પણ, એ બિઝનેસમાં ખોટ ખાઈને બેઠા હતા, પણ પરિવારમાં આ વિશે બહુ ઝાઝી વાત કરી એમનું ટેન્શન વધારવા માગતા નહોતા અને ટીનએજ દુનિયાની ક્વીન બની ફરતી હિયાને તો આઘાત લાગી જશે એવી એમને ખાતરી હતી.

હિયાને પણ હવે ઘરમાંથી ચીજ-વસ્તુઓ તફડવતા ફાવી ગયું હતું એટલે એણે એકાદ મહિનાથી ઘરમાં પોકેટમનીની માગણી કરી નહોતી ને ઘરમાં કોઈએ એ વાતને નોટિસ પણ કરી નહી.

જોકે, મમ્મીએ વાતનો કેડો મૂક્યો નહોતો. એણે હવે આર્ટિફેક્ટ્સની ગણતરી રાખવાનું શરૂ કર્યું. ઘરમાં પણ વસ્તુઓ એ રીતે ગોઠવી નાખી કે ક્યાંય ખાલી જગ્યા પડે તો તુરંત જ એની નજરે ચઢે. હિયાને હવે એમાંથી કંઈજ આઘું-પાછું કરવાનો મોકો મળતો નહીં. એટલે ધીમે-ધીમે ફરી એને પૈસાની ખેંચ પડવા લાગી.

એવામાં એક દિવસ રિસેસમાં ગપ્પાં મારતાં પ્રિશાએ સજેસ્ટ કર્યુ કે, આવતા શનિવારે આપણે મુવી જોવા જઈએ. બધાએ તુરંત હા પાડી. સહુને ખબર હતી કે, હિયા દર વખતની જેમ ટિકિટનું ગોઠવી લેશે, પણ હિયાના પેટમાં ફાળ પડી. એને ખ્યાલ હતો કે આ વખતે ટિકિટસ માટે ભીંસ પડી જવાની છે. અરે, હિયા પાસે એટલા પૈસા છે કે ડિઝનીલેન્ડની ટિકિટ્સ પણ કરાવી દે….

એવી ઠ્ઠઠા-મશ્કરી વચ્ચે ગ્રુપમાં ગરિમા એક જ એવી હતી જેને દર વખતે હિયા પૈસા ખર્ચે એ ગમતું નહીં. એણે હળવેથી હિયાનો હાથ પકડી કહ્યું, હિયા તું બીજાને ટિકિટ્સ લેવા માટે કહી શકે છે. દરેક વખતે તારે શા માટે પૈસા ખર્ચવા પડે? પરંતુ મિત્રોની વાહવાહીથી પોરસાતી હિયાએ ગરિમાના શબ્દોને ધ્યાન પર લીધા નહીં. ઉલ્ટું આ વખતે પૈસાનો જુગાડ કેવી રીતે કરવો એમ વિચારતી ઘર તરફ ચાલતી પકડી.

મમ્મીની વસ્તુઓ તો હવે અડાય એમ નહોતી એટલે એણે તિજોરી ખોલી. પોતાને ગિફ્ટમાં મળેલા ચાંદીના સરસ મજાના કડા પર એની નજર ઠરી. ફટાફટ એને બેગમાં ભરી એ જ્વેલરી શોપ પહોંચી. હજુ તો એ ટેબલ પર મુકે ત્યાં એનો હાથ કોઈએ પકડી લીધો. પાછળ ફરીને જોયું ત્યાં મમ્મીનો ચહેરો જોઈ હિયા છળી મરી. એ ધ્રુસ્કે-ધ્રુસકે રડવા લાગી.

મમ્મી, સોરી સોરી … કહેતી એ જાહેરમાં તમાચો ખાવા તૈયાર હતી, પણ મમ્મીએ હિયાનું કપાળ ચૂમી પૂછ્યું: ‘પહેલા તો એ કહે કે, તારે આવું શા માટે કરવું પડ્યું?’ ત્યારે હિયાએ રોતાં -રોતાં પોતાના મિત્રોની પાછળ થતા ખર્ચાઓ અને એમની પાસે હંમેશાં પોતાના વખાણ થાય એની લાલચ માટે એ જે કરતી એ બધું જ વર્ણવ્યું.

‘અમને ખ્યાલ આવી ગયેલો , બેટા… પણ, તું સામેથી વાત કરે એની અમે રાહ જોઈ રહ્યા હતા.’

Also Read – ફેશન: લેટ્સ ગો ફ્રીલી, બાર્બીડૉલ જેવો લૂક આપે છે

હિયાએ આંસુઓ લૂછતા પપ્પા તરફ જોયું. એને ખાતરી હતી કે પપ્પા ગુસ્સે થશે, પણ એમણે હળવાશથી કહ્યું: ‘બેટા, આપણી આર્થિક પરિસ્થિતિ બગડી છે એ વાત મારે તને કહી દેવાની જરૂર હતી, પણ મને લાગ્યું કે એ હકીકત તું કદાચ સમજી નહીં શકે. તું નાની છે એમ જ હું માનતો રહ્યો.

આપણો સારો સમય હોય એમ ક્યારેક ખરાબ સમય પણ આવે. એ આ ઉંમરે તું સમજી શકીશ એવું મને નહોતું લાગ્યું એટલે તને સત્યથી વેગળી રાખી. એમાં તું..’

હિયા પપ્પાને વળગી પડી : પપ્પા, હું જ સ્વાર્થી બની ગયેલી. આઈ એમ સોરી… હું ક્યારેય આવું નહીં કરું.. આવું કંઈ કેટલુંય બોલી રહેલી હિયાને પડખામાં લઈ ત્રણેય જણાએ ઘર તરફ
ડગ માંડ્યા….

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button