પુરુષસ્પેશિયલ ફિચર્સ

વિશેષ: યુવાઓમાં ઝડપથી વધતી માઇન્ડલેસ ઇટિંગ શું છે?

-લોકમિત્ર ગૌતમ

વર્તમાનમાં કિશોરાવસ્થામાં પહોંચેલા અને યુવા પેઢી મોબાઈલમાં એટલી તો ડૂબેલી રહે છે કે તેમને કોઈ વાતનું ભાન નથી રહેતું. વધારે પડતું મોબાઈલમાં બિઝી રહેવાને કારણે તેમની આંખો નબળી થતી જાય છે. આટલું જ નહીં અન્ય બાબતો પર પણ તેઓ ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતાં. જમતી વખતે પણ યુવાનોનું ધ્યાન મોબાઇલ પર જ હોય છે. તેમને જમવાના સ્વાદ વિશે પૂછવામાં આવે તો કોઈ જવાબ નથી મળતો. આને જ ખાનપાન નિષ્ણાતો ‘માઇન્ડલેસ ઇટિંગ’ કહે છે. મનોવૈજ્ઞાનિક અને આરોગ્ય નિષ્ણાતો મુજબ જમવાની આવી ટેવ સ્વાસ્થ્ય માટે સારી નથી. જમવા પર પૂરતું ધ્યાન આપીને જમવાથી જ એના લાભ મળે છે. આ ‘માઇન્ડલેસ ઇટિંગ’ કઈ રીતે સ્વાસ્થ્ય પર અસર કરે છે એના વિશે વિસ્તારમાં જાણીશું.

આરોગ્ય પર અસર

‘માઇન્ડલેસ ઇટિંગ’ની સૌથી માઠી અસર આપણાં સ્વાસ્થ્ય પર પડે છે. જમવામાં ધ્યાન આપ્યા વગર જમવાથી અનેક વખત એવું બને છે કે જરૂરત કરતાં વધુ ખવાઈ જાય છે તો ક્યારેક ઓછું જમાય છે. આપણે જ્યારે જલદી જલદી અને વધુ જમી લઈએ છીએ તો એનું અનેક નુકસાન ઉઠાવવું પડે છે. ‘માઇન્ડલેસ ઇટિંગ’થી યુવાઓને જાણ જ નથી થતી કે તેઓ કેટલું જમી ગયા છે. ઓવર ઇટિંગ થવાથી વજન વધી જાય છે. સાથે જ પાચન સંબંધી પણ નુકસાન થાય છે. ઉતાવળથી જમવાથી શરીર ભોજનને સારી રીતે પચાવી શકતો નથી. એને કારણે ગૅસ, એસિડિટી જેવી સમસ્યાઓ શરૂ થાય છે.


Also read: સોશિયલ મીડિયાનો વધુપડતો વપરાશ વાસ્તવિકતાથી પલાયન થવાનું માધ્યમ છે?


ભોજન પ્રત્યેે લાગણીનો અભાવ

ઉતાવળમાં કે મોબાઈલમાં બિઝી રહીને જમવાથી ભોજન પ્રત્યેની લાગણીનો અભાવ દેખાય છે. ખોરાકને માત્ર એનર્જી મેળવવાના ઉદ્ેશથી જમવાથી એની સાથે જોડાયેલી ભાવનાનો અભાવ રહે છે. આ સિવાય ‘માઇન્ડલેસ ઇટિંગ’થી પરિવાર સાથે બોન્ડિંગ પણ ઘટી જાય છે. પરિવાર સાથે બેસીને જમવું ખૂબ મહત્ત્વનું છે, પરંતુ ‘માઇન્ડલેસ ઇટિંગ’ને કારણે એ લાગણી ઘટતી જઈ રહી છે. આવી રીતે જમવાથી તણાવ પણ નિર્માણ થાય છે એને ‘સ્ટ્રેસ ઇટિંગ’ પણ કહેવાય છે.

ભોજન પર ધ્યાન આપવું શું કામ જરૂરી છે?

ખાનપાન નિષ્ણાતોનું કહેવું છે કે મન પરોવીને જમવું એ આપણાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ધ્યાન આપીને જમવાથી આપણને ભોજનમાં રુચિ આવે છે. ધ્યાનથી જમવાથી એનો સારો સ્વાદ માણી શકાય છે. એનાથી સંતુષ્ટિ પણ મળે છે. સાથે વજન ક્ધટ્રોલમાં રહે છે, તણાવ નિયંત્રણ રહે છે અને શિસ્તતા કેળવાય છે.

ભોજન પ્રત્યે આવી ઉદાસીનતા કેમ?

આજની યુવા પેઢીને જમવાના અનેક પર્યાય મળી રહે છે એને કારણે પણ તેમને ઘરના ભોજનમાં રુચિ નથી રહેતી. આજે માર્કેટમાં વિવિધ પ્રકારનાં ખાદ્ય પદાર્થો મળી રહે છે. યુવાઓ પોષણને બદલે સ્વાદ અને આકર્ષણને વધુ મહત્ત્વ આપે છે. ફાસ્ટ ફૂડને કારણે ઘરના ભોજનની પરંપરા તરફ તેમનું ધ્યાન નથી જતું. ઑનલાઇન ફૂડ ડિલિવરીવાળા પણ મિનિટોમાં ઘરના દરવાજે આવીને ઊભા રહી જાય છે. એથી
તેઓ તરત ઑનલાઇન ફૂડ ઑર્ડર કરી દેતાં હોય છે.

માઇન્ડફૂલ ઇટિંગની ટેવ કેવી રીતે અપનાવવી?

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ પ્રસન્નતા અને તણાવમુક્ત રહેવા માટે પણ માઇન્ડફૂલ ઇટિંગ ખૂબ જરૂરી છે. એના માટે ઘરમાં માઇન્ડફૂલ ઇટિંગનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. એના માટે કેટલીક આદતોને જીવનમાં ઉતારવા જેવી છે.ભોજનને ધીરે ધીરે અને સ્વાદને માણીને ખાવું. દિવસમાં એકાદ વખત તો કુટુંબ સાથે બેસીને જમવું જોઈએ. એનાથી ભોજન તો અર્થપૂર્ણ બને જ છે, પરંતુ સાથે જ પારિવારિક સંબંધો પણ દ્રઢ બને છે.

તન અને મનના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જમવું જોઈએ. પારંપરિક અને વારસામાં ઉપલબ્ધ ભોજનને વધારે પ્રમાણમાં ખાવા જોઈએ. એમાં પોષણ વધુ હોય છે. જમતી વખતે પૂરી રીતે ડિજિટલ ડિટોક્સ હોવું જરૂરી છે. એટલે કે મોબાઇલ, ટીવી અથવા અન્ય ડિવાઇસનો ઉપયોગ ન કરવો. આવી રીતે જો જમવા પર ધ્યાન આપવામાં આવે તો અનેકગણાં ફાયદાઓ થશે. જમવા પર પૂરતું ધ્યાન આપવું એ અન્નનો આદર છે. એવું કરવાથી આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તો સારું રહેશે જ સાથે બિનજરૂરી તણાવથી પણ આપણે દૂર રહી શકીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button