આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીઓની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ! ભાજપને 20 તો શિંદે, અજિત પવારને આટલા વિભાગ

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. તેમની આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક લગભગ 1 કલાક ચાલી હતી. દેવેન્દ્ર ફડણવીસની સાથે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ હતા. આ બેઠક બાદ હવે એમ જાણવા મળ્યું છએ કે મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં ભાજપ પાસે 20 કેબિનેટ મંત્રીઓ હોઈ શકે છે. આ સિવાય એકનાથ શિંદેની પાર્ટી શિવસેનામાંથી 12 અને અજિત પવારની પાર્ટી એનસીપીમાંથી 10 મંત્રીઓ હોઈ શકે છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્ર સરકારના કેબિનેટનું 14 ડિસેમ્બર સુધી વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે.


Also read: મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ પહેલા જારી થઇ ટ્રાફિક એડવાઇઝરી


દેવેન્દ્ર ફડણવીસ બુધવારે દિલ્હી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન બન્યા પછી તેઓ ભાજપના ટોચના નેતાઓ સાથે સૌજન્ય મુલાકાત કરવા દિલ્હી ગયા હતા. દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી . તેઓ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીને પણ મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી હતી. દેવેન્દ્ર ફડણવીસે 5 ડિસેમ્બરે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે એકનાથ શિંદેએ નાયબ મુખ્ય પ્રધાન અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. હવે રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, તે પહેલા 14 ડિસેમ્બર સુધીમાં કેબિનેટ વિસ્તરણ થવાની સંભાવના છે. કેબિનેટમાં મુખ્ય પ્રધાન સહિત વધુમાં વધુ 43 મંત્રીઓ હોઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button