મુંબઈના રસ્તા હલકી ગુણવત્તાના બનાવ્યા તો કૉન્ટ્રેક્ટરો સામે કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના તમામ ડામરના રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન કરવાનો પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધર્યો છે. બે તબક્કામાં કરવામાં આવી રહેલા રસ્તાના કામમાં હાલ અનેક જગ્યાએ હલકી ગુણવત્તાનું કૉંંક્રીટીકરણનું કામ કરવામાં આવ્યું હોવાથી રસ્તાઓ પર તિરાડ પડી હોવાની ફરિયાદ આવી રહી છે. ગયા અઠવાડિયે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આ મુદ્દે અધિકારીઓ સાથે યોેજેલી બેઠકમાં હલકી ગુણવત્તાના રસ્તાના કામ કરનારા કૉન્ટ્રેક્ટરો સામે પગલાં લેવાની સૂચના આપી હતી. તેમ જ કામની ગુણવત્તા પર નજર રાખનારી ક્વોલિટી મેનેજમેન્ટ એજન્સી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવેતા તમામ રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. પહેલા તબક્કામાં ૩૯૨ કિલોમીટરના તો બીજા તબક્કામાં ૩૦૯ કિલોમીટરના રસ્તા એમ કુલ ૭૦૧ કિલોમીટરના રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશન કરવામાં આવવાનું છે. આ કામ માટે વર્ક ઓર્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. સિમેન્ટ-કૉંક્રીટના રસ્તાના બનાવવા માટે રસ્તા ખોદવાથી લઈને કામ પૂરું થઈને વાહનવ્યવહાર માટે તે ખુલ્લો મુકાય તે માટે ૩૦થી ૪૫ દિવસનો સમય લાગે છે.
Also read: પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ સેપ્કિટ ટેન્કમાં નાખી દીધો: બરતરફ પોલીસકર્મી પકડાયો
જુદા જુદા ટેસ્ટના માધ્યમથી રસ્તાની ગુણવત્તામાં કોઈ પણ બેદરકારી નહીં કરતા ઓછામાં ઓછા ૩૦ વર્ષ રસ્તા ટકે તે પ્રમાણે બનાવવાના હોય છે. છતાં ઉપનગરમાં અનેક જગ્યાએ સ્થાનિક વિધાનસભ્યો દ્વારા નવેસરથી તૈયાર થયેલા રસ્તા બાબતે ફરિયાદ આવી છે. તેથી કામમાં બેદરકારી દાખવનારા સંબંધિત કૉન્ટ્રેક્ટરથી લઈને ક્વોલિટી મેનેજમેન્ટ એજન્સી સામે પાલિકા કમિશનરે ચોખ્ખા શબ્દોમાં પગલા લેવાનો નિર્દેશ આપ્યો છે.
પાલિકા પ્રશાસને રસ્તાના કામની ગુણવત્તા તપાસવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)ની થર્ડ પાર્ટી તરીકે નિમણૂક કરી છે. તેનું કામ રસ્તાના કામ ચાલુ હોય ત્યારે તેની ગુણવત્તા જળવાઈ રહે તે જોવાનું છે, જેમાં કૉંક્રીટ પ્લાન્ટથી કૉંક્રીટ રસ્તા પર ક્યુરિંગ કરવામાં આવે ત્યાં સુધીના કામનો સમાવેશ થાય છે. અધિકારી અને કૉન્ટ્રેક્ટરને ગુણવત્તા બાબતે માર્ગદર્શન આપવાની જવાબદારી પણ આઈઆઈટી પાસે છે. તેથી આગામી તબક્કામાં પહેલા તબક્કાના બાકી રહેલા કામની ગુણવત્તા તપાસવા માટે પણ આઈઆઈટી નિમણૂક કરવાનો પ્રશાસન વિચાર કરી રહી હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.