નવી દિલ્હી: જો તમે બેંગકોક કે થાઈલેન્ડ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તમારા માટે સારા સમાચાર છે. નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીએ બુધવારે જાહેરાત કરી છે કે થાઈલેન્ડના ઈ-વિઝા ભારતમાં 1 જાન્યુઆરી, 2025થી લાગુ કરવામાં આવશે. દૂતાવાસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પાસપોર્ટ ધારકો ઈ-વિઝા લઈને થાઈલેન્ડમાં 60 દિવસ સુધી રહી શકશો.
આ પણ વાંચો : એનસીપી (એસપી)ના કેટલાક સાંસદો વફાદારી બદલી શકે છે: ભાજપના નેતાનો દાવો
કઈ રીતે કરશો અરજી
એમ્બેસીના જણાવ્યા મુજબ, બિન-થાઈ નાગરિકોએ તમામ પ્રકારના વિઝા માટે https://www.thaievisa.go.th વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. અરજદાર પોતે અથવા અન્ય પ્રતિનિધિઓ દ્વારા અરજી કરી શકે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે જો કોઈ પ્રતિનિધિ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજી અધૂરી હશે તો તેના માટે એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલ જવાબદાર રહેશે નહીં. અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા ઉપરની વેબસાઇટ પર જોઈ શકાય છે.
14 દિવસનો લાગશે સમય
એમ્બેસીની નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઑફલાઇન પેમેન્ટ વિકલ્પ દ્વારા અરજી કરનારાઓએ વિઝા ફી ચૂકવવી પડશે. આ માટે સંબંધિત એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલના ઓફલાઈન પેમેન્ટ ઓપ્શન પર વિગતો આપવાની રહેશે. જો કે એ બાબત સ્પષ્ટ કરી ડે આવી છે કે વિઝા ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. વિઝા પ્રક્રિયામાં ફી મળ્યાની તારીખથી લગભગ 14 કાર્યકારી દિવસો લાગી શકે છે.
આ પણ વાંચો : ‘વેલકમ’ ફિલ્મના અભિનેતા મુસ્તાક ખાનનું અપહરણ: ભાગવામાં સફળ…
ભારતીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. બેંગકોક, પટાયા, ફૂકેટ, ચિયાંગ માઈ અને કોહ સમુઈ સહિતના સ્થળોએ ભારતીય પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. વર્ષ 2019માં 20 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. માત્ર કોવિડ-19ના ગાળામાં જ પ્રવાસીઓનો ધસારો ઘટ્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો. જો કે તેનો સીધો ફાયદો થાઈલેન્ડને થાય છે.