જો મણિપુર જેવી ઘટના બને તો રસ્તા પર ઉતરવું: શરદ પવાર
મુંબઈ: એનસીપીના પ્રમુખ શરદ પવારે બુધવારે પક્ષની મહિલા પાંખના સભ્યોને જણાવ્યું હતું કે મણિપુર જેવો બનાવ બને તો કેસ નોંધાવાની ચિંતા કર્યા વિના રસ્તા પર ઉતરવું જોઈએ. એનસીપી મહિલા પાંખના સભ્યોને સંબોધતા પવારે જણાવ્યું હતું કે તેમની સરકાર દ્વારા અગાઉ પૈતૃક સંપત્તિમાં મહિલાઓને હિસ્સો આપવાની મંજૂરી આપવાનો નિર્ણય, યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યો નથી. આપણે આ કાર્ય હાથ ધરવું પડશે અને સરકારને વિનંતી કરવી પડશે. આ નિર્ણય પવારે ૧૯૯૩થી ૧૯૯૫ વચ્ચે મુખ્ય પ્રધાન હતા ત્યારે લીધો હતો. પવારે કહ્યું કે જ્યારે તેઓ સંરક્ષણ પ્રધાન હતા, ત્યારે તેમણે સૈન્યની અનિચ્છા છતાં સશસ્ત્ર દળોની ત્રણ પાંખમાં મહિલાઓને ૧૧ ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો.
શિવસેના-ભાજપ-એનસીપી (અજિત પવાર) સરકાર પર નિશાન સાધતા પવારે જણાવ્યું હતું કે રાજ્યમાં જાન્યુઆરીથી મે વચ્ચે ૧૯,૦૦૦થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને શરદ પવારના વફાદાર અનિલ દેશમુખ દ્વારા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આ સંદર્ભે એક પ્રશ્ર્ન ઉઠાવવામાં આવ્યો હતો, પવારે એમ પણ કહ્યું કે સરકારી નોકરીઓ ઉપલબ્ધ છે પરંતુ ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી નથી.
સરકારનો હેતુ કોન્ટ્રાક્ટ દ્વારા કર્મચારીઓની ભરતી કરવાનો છે જે ગરીબ લોકોને ક્વોટા હેઠળ રોજગાર માટે પાત્રતાથી વંચિત કરશે. તેમણે ખાનગી કંપનીઓને સરકારી શાળાઓ દત્તક લેવાની મંજૂરી આપવાની સરકારની નીતિની પણ ટીકા કરી હતી. (પીટીઆઈ)