મતદારોને મતદાનથી વંચિત રાખવાનું ષડયંત્રઃ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
નવી દિલ્હી: પાટનગરમાં વધતી ઠંડી વચ્ચે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે ત્યારે સત્તાધારી પાર્ટીએ મતદારોને મતદાનથી વંચિત રાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો દાવો કર્યો છે. આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પર આગામી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં મોટા પાયે મતદારોને યાદીમાંથી દૂર કરવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો.
ચૂંટણી પંચ સાથે બેઠક
ચૂંટણી પાંચ સાથેની બેઠક બાદ મીડિયાને સંબોધતા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમણે ચૂંટણી પંચને 3,000 પાનાના પુરાવા રજૂ કર્યા છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપ દિલ્હીની મતદાર યાદીમાંથી મતદારોના નામને હટાવી રહી છે. જેમાં મોટા ભાગના મતદારો ગરીબ, અનુસૂચિત જાતિ, દલિત, ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે.
આ પણ વાંચો : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે Manish Sisodia ને સુપ્રીમ કોર્ટેમાંથી મળી આ મોટી રાહત
11,008 મતદારને દૂર રાખવાનું ષડયંત્ર
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે શાહદરામાં ભાજપના એક કાર્યકર્તાએ ગુપ્ત રીતે 11,008 મતદારને કાઢી નાખવા માટે સબમિટ કરી હતી અને ચૂંટણી પંચે આ બાબતે ગુપ્ત રીતે કામ કરવાનું શરૂ કર્યું છે. AAPએ દાવો કર્યો હતો કે “જનકપુરીમાં ભાજપના 24 કાર્યકરોએ 4 હજાર 874 મતો, તુગલકાબાદમાં ભાજપના 15 કાર્યકરે 2,435 મતો તેમજ તુગલકાબાદમાં 554ને યાદીમાંથી દૂર કરવાની માંગ કરી છે.
ચૂંટણી પંચે આપ્યું આશ્વાસન
ચૂંટણીપંચ દ્વારા AAPને આશ્વાસન આપવામાં આવ્યા છે. ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણી પહેલા કોઈ સામૂહિક નામો કપાત કરવામાં નહિ આવે. કોઈપણ મત કાઢી નાખતા પહેલા, અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ક્ષેત્રીય તપાસ હાથ ધરવામાં આવશે. આ સિવાય જો કોઈ વ્યક્તિ 5થી વધુ નામો દૂર કરવા માટે અરજી કરે છે, તો સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વ્યક્તિગત રીતે અન્ય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ફરીથી ક્ષેત્રની તપાસ કરશે.