અભિનેતા અશરફખાનની હાજરીમાં નૂરજહાંનું ગીત ગાવાની તક મળીને પુરુષોત્તમ ઉપાધ્યાયનું જીવન પલટાઈ ગયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ખેડ જિલ્લાના ઉત્તરસંડા ગામમાં પંદરમી ઑગસ્ટ, 1934ના રોજ થયો હતો અને નાનપણથી જ તેમને સંગીત સાંભળવાનો ભારે શોખ હતો.
તેની સાથે તેમને ગાવાના શોખનો ઉમેરો થયો. શાળામાં હતા ત્યારે તેમને ઘણા પારિતોષિક મળ્યા હતા અને ભણવા કરતાં સંગીતમાં એટલો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કારકિર્દી ઘડવા માટે વતન છોડીને મુંબઈ આવતા રહ્યા હતા, પરંતુ ત્યાં અપેક્ષા મુજબનું પ્રોત્સાહન ન મળતાં તેમણે ફરી વતનનો રસ્તો પકડ્યો હતો. અહીં તેમણે નાટક-કંપનીઓમાં નાની મોટી ભૂમિકાઓ ભજવવાની શરૂઆત કરી હતી.
લતા મંગેશકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને હૃદયનાથ મંગેશકરના ગુરુ તેમ જ ઉદય મઝુમદારના ગુરુ નવરંગ નાગપુરકર પાસેથી સંગીતની તાલીમ મેળવનારા પુરુષોત્તમ ઉપાધ્યાયે નાની ઉંમરે જ પાકો નિર્ધાર કર્યો હતો કે તેઓ નરસિંહ મહેતાની જેમ ફક્ત ગુજરાતી માટે જ સંગીત તૈયાર કરશે અને આજીવન તેમણે પોતાની સાધના જાળવી રાખી હતી.
જોગાનુજોગ ગુજરાતી રંગમંચના જાણીતા અભિનેતા અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ મુલાકાતથી પુરુષોત્તમ ઉપાધ્યાયના જીવનમાં નવો વળાંક આવ્યો.
આપણ વાંચો: જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની જૈફ વયે નિધન
થોડા સમય બાદ તેઓ ફરીથી મુંબઈ ગયા હતા. આ વખતે નસીબનું કરવું કે તે જમાનાના વિખ્યાત કલાકારો અમીરબાઈ કર્ણાટકી, તબલાનવાઝ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, વિખ્યાત ગુજરાતી ગાયક અને સ્વરકાર દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ જેવી હસ્તીઓ તેમના અંગત પરિચયમાં આવી હતી. અવિનાશ વ્યાસને ત્યાં તેઓ થોડા સમય માટે રહેતા પણ હતા.
માસ્ટર અશરફખાનની ભલામણથી આકાશવાણી, મુંબઈ કેન્દ્ર પર ગાવાનો કરાર કર્યો હતો. આ ઉપરાંત, મુંબઈની જાણીતી શિક્ષણ-સંસ્થા ભારતીય વિદ્યાભવન ખાતે અવિનાશ વ્યાસની રાહબરી હેઠળ સંગીત-કાર્યક્રમોનું સંચાલન કરવાની તક મળી હતી.
પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પણ ખ્યાતિ ધરાવતા હતા. ચલચિત્રજગતની સુવિખ્યાત સ્વરનિયોજક બેલડી કલ્યાણજી-આણંદજીની સંગતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય પણ સ્વરનિયોજન કરવા લાગ્યા.
આપણ વાંચો: દિવસો જુદાઈના જાય છેઃ આ ફનકારના ગુજરાતી ગીતો સાંભળશો તો ફરી તેમના પ્રેમમાં પડી જશો
તેમના સ્વરનિયોજન હેઠળ દેશના સુવિખ્યાત પાર્શ્ર્વગાયકો લતા મંગેશકર, આશા ભોસલે અને મહમ્મદ રફી જેવા પ્રથમ પંક્તિનાં ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. ગુજરાતી સુગમ સંગીતમાં પુરુષોત્તમભાઈના સ્વરનિયોજન હેઠળ જે કલાકારોએ પોતાનો કંઠ આપ્યો છે તેમાં હંસા દવે અગ્રક્રમ ધરાવે છે. ગુજરાતી સુગમ સંગીતની નવી પેઢી પુરુષોત્તમ ઉપાધ્યાયને રોલ મોડેલ તરીકે સ્વીકારે છે.
પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે ફાની દુનિયાને કહ્યું અલવિદા
સુપ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની જૈફ વયે આજે મુંબઈમાં સાંજે 4.30 વાગ્યે નિધન થયું હતું. પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયક અને સંગીતકાર બંને હતા. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે પણ તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેમના નિધનથી ગુજરાતી સંગીતના આકાશમાં એક ન પુરાય એવી ખોટ પડશે. તેમના પરિવારમાં બે દીકરીઓ વિરાજ અને બિજલ તેમ જ પત્ની ચેલનાબહેન છે.
તેમની દીકરી વિરાજે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પુરુષોત્તમ ભાઈનું આરોગ્ય નરમ-ગરમ રહેતું હતું. કેટલાક દિવસથી માંદા હતા અને તેમને વાઈરલ ઈન્ફેક્શન હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. આ વખતે તેઓ માંદગી સામેની લડાઈ જીતી શક્યા નહોતા.
આપણ વાંચો: સૈફ પાલનપુરીની શતાબ્દીનું ટાણું, હું આજે ‘મુંબઈ સમાચાર’માં માણું…
પંદરમી ઑગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને 2017માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં જ સંગીત નાટ્ય અકાદમીએ તેમને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ જે રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થાય છે તેની જાહેરાત કરી હતી, આરોગ્યના કારણોસર તેઓ દિલ્હી જઈ શકે તેમ ન હોવાથી અકાદમીનાં પ્રમુખ સંધ્યા પુરેચા અને હરીશ ભીમાણીએ તેમને ઘરે જઈને એવોર્ડ આપ્યો હતો.
તેમણે 30 ફિલ્મો અને 30થી વધુ નાટકોમાં સંગીત આપ્યું છે. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપુર જેવા ઉચ્ચ કોટિના ગાયકો પાસે તેમણે ગુજરાતીઓમાં ગીતો ગવડાવ્યા છે તેના પરથી જ તેમના સ્તરનો અંદાજો લગાવી શકાય છે.
પુરુષોત્તમ ઉપાધ્યાયે પોતાનો છેલ્લો કાર્યક્રમ લગભગ દોઢ વર્ષ પહેલાં આપ્યો હતો, ત્યારબાદ તેમની તબિયત સારી ન રહેતી હોવાથી તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા.