આમચી મુંબઈ

કુર્લા બસના અકસ્માત અંગે હવે આરટીઓના અધિકારીએ આપ્યું મહત્ત્વનું નિવેદન

મુંબઈ: કુર્લામાં બેસ્ટની બસના થયેલા અકસ્માત માટે ‘માનવી ભૂલ’ અને ‘યોગ્ય તાલીમનો અભાવ’ જવાબદાર હોવાની શંકા મુંબઈ આરટીઓના અધિકારીઓએ વ્યક્ત કરી હતી. આ અકસ્માતમાં સાત જણનાં મોત અને ૪૨ લોકો ઘાયલ થયા હતા. સોમવારે રાત્રે થયેલા અકસ્માત બાદ વડાલા રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)ની તપાસ ટીમને જાણવા મળ્યું હતું કે ઓલેક્ટ્રાની ઇલેક્ટ્રિક બસની ‘બ્રેક બરાબર’ કામ કરી રહી હતી.

શરૂઆતમાં એવી શંકા હતી કે બ્રેક ફેઇલ થવાને કારણે બસનો અકસ્માત થયો હતો. ડ્રાઇવર સંજય મોરેના પરિવરના સભ્યોએ પણ બ્રેક ફેઇલ થઇ હોવાનો તથા સંજય દારૂ પીતો ન હોવાનો દાવો કર્યો હતો.

વડાલા આરટીઓના મોટર વૅહિકલ ઇન્સ્પેક્ટર ભરત જાધવના નેતૃત્વ હેઠળની ટીમે બેસ્ટના કુર્લા ડેપોમાં મંગળવાર સવાર સુધી તપાસ કરી હતી. એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે આરટીઓની ટીમે અકસ્માતગ્રસ્ત બસની તપાસ કરી હતી ત્યારે તેની બ્રેક એકદમ બરાબર કામ કરી રહી હતી. તેમ છતાં તપાસનો અહેવાલ સોંપવા પહેલા તેઓ વધુ બાબતો અંગે પણ તપાસ કરશે. તેથી તેઓએ ઓલેક્ટ્રા અને બેસ્ટ પાસે અમુક માહિતીઓ મગાવી છે.

આ પણ વાંચો: Kurla Accident: નોકરીનો પહેલો દિવસ જીવનનો અંતિમ દિવસ બન્યો, તો નાઈટશિફ્ટ..

બસ ફક્ત ત્રણ મહિના જૂની હતી

ઇલેક્ટ્રિક બસ ફક્ત ત્રણ મહિના જૂની હતી અને તેનું રજિસ્ટ્રેશન વીસમી ઓગસ્ટે ઈવીઈવાય ટ્રાન્સના નામે થયું હતું. પુણેની થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ડ્રાઇવર મોકલવામાં આવ્યો હતો. તપાસ ટીમે બસની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા હતા અને તેમાં આ સંપૂર્ણ ઘટના પચાસથી બાવન સેકન્ડમાં બની હોવાનું જણાયું હતું. બેસ્ટના રેકોર્ડ પ્રમાણે ડ્રાઇવપ બપોરે ૨.૪૫ કલાકે ડ્યૂટી પર જોડાયો હતો અને અકસ્માત રાત્રે ૯.૩૫ કલાકે થયો હતો. કુર્લા સ્ટેશનથી સાકીનાકા જઇ રહેલી આ બસે પ્રથમ એક વાહનને ટક્કર મારી અને પછી એસ. જી. બર્વે રોડ પર આવેલા હાઉસિંગ સોસાયટીના કમ્પાઉન્ડ વૉલ સાથે ટકરાઇ એ વચ્ચેનું અંતર ૪૦૦થી ૪૫૦ મીટરનું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

બસે પહેલા એક વાહનને ટક્કર આપી ત્યારે ડ્રાઇવર ગભરાઇ ગયો હશે ને તેથી તેણે બસની સ્પીડ વધારી દીધી જેને કારણે બસ સોસાયટીની દીવાલને જઇને ભટકાઇ હતી, એવી શંકા પણ તપાસ ટીમે વ્યક્ત કરી હતી. ડ્રાઇવર ૨૯મી નવેમ્બર, ૨૦૨૪ના નોકરીમાં જોડાયો હતો અને પહેલી ડિસેમ્બરથી તેને ઇલેક્ટ્રિક બસ ચલાવવા આપી હતી.

આ પણ વાંચો: WATCH: Kurla accident: મૃત્યાંક છ થયો, ડ્રાયવર હતો કૉન્ટ્રાક્ટ પર, જૂઓ સીસીટીવી ફૂટેજ

બેસ્ટ પ્રશાસન અને ડ્રાઇવરના નિવેદનોમાં મતભેદ

તાલીમ આપવા અંગે બેસ્ટ પ્રશાસન અને ડ્રાઇવરના પરિવારના નિવેદનો તદ્દન અપવાદ છે. પત્રકારો સાથેની વાતચીતમાં બેસ્ટના જનરલ મેનેજર અનિલ દિગ્ગિકરે દાવો કર્યો હતો કે સંજય મોરેને ઇલેક્ટ્રિક બસ ચલાવવા આપવા પહેલા ત્રણ દિવસ તાલીમ આપવામાં આવી હતી જ્યારે તેના પુત્રનું કહેવું છે કે તેને નવથી ૧૦ દિવસ તાલીમ આપવામાં આવી હતી.

બેસ્ટના રેકોર્ડ પ્રમાણે મોરે નવેમ્બર, ૨૦૨૦થી સાતથી નવ મીટર ટેમ્પો ટ્રાવેલર મિનિ બસ ચલાવતો હતો, પરંતુ તેને ૧૨ મીટરની ઇલેક્ટ્રિક બસ ચલાવવાનો અનુભવ નહોતો, કારણ કે દાગા ગ્રુપમાં જોડાવા પહેલા તે એમ. પી. ગ્રુપમાં કામ કરતો હતો. દાગા ગ્રુપે તાજેતરમાં બેસ્ટના કાંફલામાંથી ૨૮૦ મિનિ બસ પાછી ખેંચી લીધી હતી.

આરટીઓના એક નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું કે ઓટોમેટિક ઇલેક્ટ્રિક બસ અને સાદી બસમાં ટેક્નિકલી ઘણા ફેરફાર હોય છે. તેથી ઇ-બસ પર પોતાનો હાથ બેસવામાં થોડો વાર લાગી શકે છે. આ અકસ્માત તાલીમના અભાવે એેક માનવી ભૂલ છે. કદાચ ઇ-બસનો ડ્રાઇવરને બરાબર અનુભવ નહોતો, કારણ કે તેમાં એર-અસિસ્ટેડ બ્રેકિંગ સિસ્ટમ હોતી નથી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ટૂંક સમયમાં મુંબઈ પોલીસને તપાસ અહેવાલ સોંપાશે

મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભિમનવારે મંગળવારે કહ્યું હતું કે આરટીઓ ટીમ દ્વારા બસની તપાસ થઇ રહી છે, પરંતુ ઓલેક્ટ્રાના એન્જિનિયર્સના અહેવાલની હજી રાહ જોવાઇ રહી છે. ‘બસને તપાસવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી)ના આધારે અમારી ટીમ બસને ચકાસી રહી છે. ટૂંક સમયમાં અમે મુંબઈ પોલીસને તપાસનો અહેવાલ સોંપીશું’ એમ તેમણેજણાવ્યું હતું.

ઇલેક્ટ્રિકલ અને સાદી બસમાં શું ફેરફાર હોય છે?

ઓટોમેટિક ટ્રાન્સમિશન બસમાં ક્લચ અને ગીયર હોતા નથી. બ્રેકિંગ સિસ્ટમ પણ બન્નેની અલગ હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button