ભાજપી વિધાનસભ્યના મામાની હત્યા માટે પડોશીએ આપેલી સુપારી
પુણે: ભાજપના વિધાન પરિષદના સભ્ય યોગેશ ટિળેકરના મામા સતીશ વાઘની અપહરણ બાદ હત્યાનો કેસ પુણે પોલીસે ઉકેલી કાઢીને પડોશી સહિત ચાર જણની ધરપકડ કરી હતી. અંગત અદાવતને લઇ પડોશીએ સતીશ વાઘની હત્યા માટે પાંચ લાખ રૂપિયાની સુપારી આપી હતી, એવું તપાસમાં બહાર આવ્યું હતું.
મંજરી બુદ્રુક વિસ્તારમાં રહેતા સતીશ વાઘ (55) સોમવારે વહેલી સવારે મોર્નિંગ વૉક માટે નીકળ્યા હતા ત્યારે હડપસર વિસ્તારમાં શેવળવાડી ચોક ખાતે એસયુવી તેમની નજીક આવી હતી. ચારથી પાંચ જણે તેમને જબરજસ્તી કારમાં બેસાડ્યો હતો.
દરમિયાન પુણે-સોલાપુર હાઇવે પર યવત નજીક સાંજે વાઘનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીર પર ઇજાને અનેક નિશાન હતા. વાઘના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી તપાસ આદરી હતી.
આ પણ વાંચો : મુંબઈ ભાજપના અધ્યક્ષ બદલાશે? ફડણવીસના વફાદાર સુનિલ રાણેને મુંબઈ અધ્યક્ષ બનાવવામાં આવે એવી અટકળો…
પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને મંગળવારે સાંજે વાઘોલી વિસ્તારમાંથી બે જણને તાબામાં લીધા હતા. બંનેની પૂછપરછમાં અન્ય બે આરોપીનાં નામે સામે આવ્યાં હતાં. પોલીસે બાદમાં એ બંનેને પણ ઝડપી પાડ્યા હતા, જેમાં વાઘના પડોશીનો સમાવેશ હતો. અંગત અદાવતને લઇ વાઘની હત્યા કરવામાં આવી હતી, એવું પૂછપરછમાં જાણવા મળ્યું હતું.