નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆતથી એક રાષ્ટ્ર, એક સભ્ય યોજનાની (One Nation, One Subscription Scheme) શરૂઆત થશે. આ યોજનાથી 1.80 કરોડ વિદ્યાર્થીને લાભ થશે. 1 જાન્યુઆરી, 2025 થી વિશ્વભરના ટોચના જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન પેપર્સને (research papers) ઍક્સેસ કરી શકશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીની ગાંધીગીરીઃ રાજનાથ સિંહ પાસે દોડીને આવ્યા ને…
કેન્દ્ર સરકારની ‘વન નેશન, વન સબસ્ક્રિપ્શન’ પહેલ હેઠળ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર એ.કે.સૂદે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ‘વન નેશન, વન સબસ્ક્રિપ્શન’ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેડિસિન, ગણિત, મેનેજમેન્ટ, સામાજિક વિજ્ઞાન અને માનવતા પર 13,400 થી વધુ આંતરરાષ્ટ્રીય જર્નલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સૂદે જણાવ્યું કે આ પહેલ હેઠળ 451 સાર્વજનિક યુનિવર્સિટીઓ, 4,864 કોલેજો અને 172 રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ સામેલ થશે. જેમને એલ્સેવિયર, સ્પ્રિંગર નેચર અને વિલે સહિત 30 પ્રકાશકો દ્વારા પ્રકાશિત ટોચના જર્નલ્સની ઍક્સેસ મળશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ અભય કરાડીકરે જણાવ્યું હતું કે, અગાઉ, IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી) અથવા કેન્દ્રીય યુનિવર્સિટી જેવી સંસ્થાઓ ચોક્કસ વિષયો સાથે સંબંધિત જર્નલ્સના નાના જૂથને સબસ્ક્રાઇબ કરતી હતી, પરંતુ ‘વન નેશન, વન સબસ્ક્રિપ્શન’ હેઠળ, તમામ સંસ્થાઓને 13,400 સંશોધન જર્નલ્સની ઍક્સેસ મળશે.
આ પણ વાંચો : ભારતીયોને ક્રિકેટ અને રાજકરણમાં છે સૌથી વધુ રસ! જોકે ગરમીએ પણ મેળવ્યું ટોપ ગૂગલ સર્ચમાં સ્થાન
તેમણે કહ્યું કે વન નેશન, વન સબસ્ક્રિપ્શન પહેલ 1 જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવશે અને તે અંતર્ગત વિદ્યાર્થીઓને આગામી ત્રણ વર્ષ સુધી ટોચના સામયિકોની ઍક્સેસ મળશે. બીજા તબક્કા હેઠળ સરકાર આ પહેલને જાહેર-ખાનગી ભાગીદારી મોડલ દ્વારા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે. ત્રીજા તબક્કામાં, સાર્વજનિક પુસ્તકાલયોમાં એક્સેસ પોઈન્ટ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય જર્નલ્સની ઍક્સેસ આપવામાં આવવશે. આ પહેલને ત્રણ વર્ષના સમયગાળા માટે રૂ. 6,000 કરોડના ખર્ચે કેન્દ્રીય ક્ષેત્રની યોજના તરીકે રજૂ કરવામાં આવી છે.