કચ્છનું નલિયા @ 5 ડિગ્રીઃ સમગ્ર ગુજરાતમાં ઠંડી જામી…
ભુજઃ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે. જોકે હજુ ગાત્ર થિજવતી ઠંડી આવી નથી, પરંતુ રાજ્યનું સૌથી ઠંડુગાર નગર એવું અબડાસાનું નલિયા પાંચ ડિગ્રી તાપમાને ઠર્યુ હતું. આ સાથે સમગ્ર કચ્છમાં ઠંડીનો વરસાતો અનુભવાયો છે.
કચ્છના કાશ્મીર તરીકે ઓળખાતા નલિયામાં શિયાળાએ અસલી મિજાજ દર્શાવાનું શરૂ કરતાં લઘુતમ તાપમાન ૫ ડિગ્રી પર રહેતાં તીવ્ર ઠારથી જનજીવનને વ્યાપક અસર થઈ છે. વહેલી સવારે લોકો ઠેર ઠેર તાપણાં કરતા જોવા મળી રહ્યા છે,તેમજ સવારની પાળીમાં નિશાળે જતાં ભૂલકાં ટાઢથી ઠઠરી ઊઠ્યા છે.
દિવસનું ઉષ્ણતામાન પણ ઘટીને ૨૪ ડિગ્રી પર રહેતાં ભર બપોરે પણ ઠંડક અનુભવાઇ રહી છે. ઠંડીના તીવ્ર મોજાને પગલે સૂર્યાસ્ત થતાં જ બજારો સૂમસામ બની હતી. બીજી તરફ કંડલા એરપોર્ટ ખાતે પણ પારો વધુ નીચે સરકીને ૧૩ ડિગ્રી થઇ જતાં કચ્છનું આ ઔદ્યોગિક સંકુલ ઠર્યું હતું. જિલ્લા મથક ભુજમાં દિવસભર દક્ષિણ અને ઉત્તર દિશાએથી વાતા ઠંડાગાર હિમપવનો ફૂંકાઈ રહ્યા છે જેને પગલે જનજીવનને વ્યાપક અસર થવા પામી છે.
આ પણ વાંચો : Gujarat ને મળ્યો સર્વશ્રેષ્ઠ “રાજ્ય દિવ્યાંગજન આયુક્ત” વર્ષ 2024 એવોર્ડ
ભુજમાં લઘુતમ તાપમાનનો સત્તાવાર આંક ૧૧ ડિગ્રી રહ્યો છે, જયારે લોકોના સ્માર્ટફોનમાંના વેધર એપ્લિકેશનમાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડિસેમ્બર મહિનો અડધો વીતવા આવ્યો છે તેવામાં હવામાન વિભાગ દ્વારા આજે અને કાલે કચ્છમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળશે તેવો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે.
કચ્છ પર ફરી વળેલા ઠંડીના તીવ્ર મોજાંને કારણે ધોરડો ખાતે રણોત્સવ માણવા આવેલા સહેલાણીઓ ખુલ્લા રણમાં વેગીલા વાયરા સાથે પડી રહેલી કાતિલ ઠંડીના મારથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનું મુંબઈથી પોતાના વતને ફરવા આવેલા ભર્ગ હરેશભાઇ વૈદ્યે જણાવ્યું હતું.
જોકે માત્ર કચ્છમાં જ નહી સમગ્ર ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે. મોડે મોડે પણ સવારે અને સાંજે લોકો સ્વેટર પહેરી નીકળતા થયા છે. અમદાવાદ-વડોદરા-રાજકોટમાં દિવસ દરમિયાન પણ તાપમાન 25, 26 ડિગ્રી જેટલું રહે છે જ્યારે સવારે અને સાંજે 15થી 17 ડિગ્રી જેટલો પારો ગગડ્યો છે.
જોકે હાલમાં તો ગરમીમાં શેકાતા શહેરીજનો આ ઠંડીની મજા માણી રહ્યા છે.