ઈન્ટરવલ

સાયબર સાવધાની : અદૃશ્ય ઠગોને ઠેંગો બતાવવા સાયબર સુપર સ્માર્ટનેસ લાવીએ…

-પ્રફુલ શાહ

અલગ-અલગ છેતરપિંડી-ઠગીના ઓનલાઈન ચિટિંગની જાણકારી થકી સાવચેત રહેવાની ઘંટડી સંભળાતી રહે છે, પરંતુ પછી જીવનની દોડધામમાં એ વિસરી જવાય છે, પરંતુ એ છુટક છુટક બોધપાઠ ઉપરાંત અમુક નિયમો કાયમ માટે મગજના કમ્પ્યુટરમાં ફિટ કરી દેવા માત્ર જરૂરી જ નથી, એકદમ અનિવાર્ય છે.

આપણે સૌએ સુપર સાયબર સ્માર્ટ બનવાની જરૂર છે. ઓનલાઈન કે ઈન્ટરનેટ યુગની બધી ટેકનીકલ માહિતી સમજી કે શીખવી શક્ય નથી. સાદા શબ્દોમાં કહીએ તો બધા ચોર-ઠગને પૂરીને આપણે પકડીને જેલભેગા ન કરી શકીએ, પરંતુ આપણા ઘરને વ્યવસ્થિત બંધ કરીને સલામત રાખી જ શકીએ. તો સુપર સાયબર સ્માર્ટનેસના થોડા કક્કા-બારખડી સમાં પગલાં જાણી લો, યાદ રાખી લો અને જીવનમાં ઉતારવા માંડો-

એક, જો ઝછઅઈં (ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરીટી ઑફ ઈન્ડિયા) તરફથી ફોન આવે ને ચેતવણી અપાય કે કઈ રીતે આપનો ફોન બંધ થશે, તો શું કરવું? જરાય ગભરાયા વગર એની અવગણના કરો. એ ચોક્કસ જાળ, કાવતરું કે કૌભાંડ છે.

બે, જો કોઈ પોલીસવાળો (અફકોર્સ બનાવટી) ફોન કરે અને આપના આધારકાર્ડ વિશે માથાકૂટ કરે તો એને જરાય ભાવ આપવાનો નહિ, એ ૩૦૦ ટકા ફ્રોડ છે.

ત્રણ, જો કોઈ જાણીતી કુરિયર કંપની તરફથી ફોન આવે ને આપને આવેલા કોઈ પેકેટની વાત જણાવે, ત્યારબાદ એક કે કોઈ પણ નંબર દબાવવાનું કહે તો, તો માત્ર ફોન કટ કરવા માટે બટન દબાવવાનું. એ નિશ્ર્ચિંતપણે તમને ફસાવવા બિછાવાયેલી જાળ હતી.

ચાર, ભલભલા ચમરબંધ-અર્થાત્ પોલીસ, સી.બી.આઈ., ઈ.ડી., કસ્ટમ્સ, આઈ.ટી. ઑફિસરના ફોન આવે ને એક કાલ્પનિક કિસ્સો કહીને તમને ડરાવે કે લલચાવે ને ડિજિટલ એરેસ્ટની ધમકી આપે તો ડરને કા નહિ. એને એક ન પ્રતિસાદ હોય: અવગણના. મનોમન ખુશ થવાનું કે આપણો એક વખત તો બચી ગયા.

પાંચ, જો કોઈ અજાણ્યો વોટ્સઅપ, મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ કે એસએમએસ થકી સંપર્ક કરે તો એને ક્યારેય જવાબ ન આપવો. અચૂકપણે એ છેતરપિંડીનો કારસો હોઈ શકે.

છ, ક્યારેક ઓળખીતાના વોટ્સઅપ નંબર પરથી મેસેજ આવે. ડીપીમાં પણ એનો ફોટા હોય એટલે આપણે એને સાચી વ્યક્તિ માની લઈએ. પણ સબુર, માગણી જરાય અણછાજતી લાગે તો પહેલા એ સંબંધી કે મિત્રને ફોન કરી લેવો. ઘણાંને આખેઆખા ફોન કે વોટ્સએપ હેક કરીને એનો જ ફોટો ડીપીમાં મૂકીને છેતરપિંડી થતી હોય છે.

સાત, કોઈ પણ અજાણ્યાનો ફોન આવે ને કોઈ નંબર દબાવવાનું કહે તો ક્યારેય એવું ન કરવું, તરત ફોન કટ કરી નાખવો. એ અચૂક તમને ખાડામાં ઉતારવાનો પ્રયાસ હતો.

આઠ, ક્યારેક અચાનક મોબાઈલ ફોન થકી ધડાકો કરાય કે તમે મોકલેલા કે તમારા માટે આવેલા પાર્સલ-પેકેટમાં ડ્રગ્સ છે તો બે રીતે વર્તી શકાય. તરત ફોન કટ કરી નાખો કાં અટ્ટહાસ્ટ સાથે ફોન બંધ કરી દો. આ ફ્રોડનો પ્રયાસ હતો એ કહેવાની જરૂર નથી.

Also Read – અજબ ગજબની દુનિયા: માનવામાં ન આવે તેવી અવનવી વાતો

નવ, અમુક વિવેકી પુરુષ કે સ્માર્ટ યુવતી ફોન કરીને એકદમ આદર સાથે વિનંતી કરે કે સર/મેડમ, આપે યુ.પી.આઈ. (યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ) થકી ખોટા ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાં છે. હું આપને એ રકમ પાછી મોકલવા માગું છું, તો પ્લીઝ આપની બૅંકની વિગતો આપશો? કાં મને એક રૂપિયો ટ્રાન્સફર કરશો? કાં હું મોકલું એ ક્યુ.આર. કોડ સ્કેન કરશો? કે મોકલેલી લિન્ક પર ક્લિક કરશો? આટલું સાંભળ્યા પછી કરવાનું શું? ફોન કટ.

દસ, અને અને… કંઈ પણ તકલીફ લાગે તો સીધો ૧૯૩૦ (હા, વન નાઈન થ્રી ઝીરો) નંબર ડાયલ કરીને પોતાની સાથે થયેલી હરકતની તાત્કાલિક ફરિયાદ નોંધાવી દેવી. સરકારે આ વ્યવસ્થા મારા, તમારા ને આપણા માટે જ ઊભી કરી છે. ભલે સામેવાળાએ ધમકી આપી હોય કે કોઈને જાણ/ફોન કરતા નહિ પણ આ નંબર અચૂક ડાયલ કરી જ દેવો.
ATP (ઑલ ટાઇમ પાસવર્ડ)
એક ડર, ને બીજા બીજા લોભથી બચો તો સાયબર ગઠિયા ફાવી નહિ શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button