પ્રાસંગિક : ટ્રમ્પ – પુતિન વચ્ચેની સિક્રેટ ડીલને લીધે સિરિયામાં સત્તાપલટો?
-અમૂલ દવે
સમય બળવાન હૈ, નહીં પુરુષ બળવાન.
કાબે અર્જુન લુટિયો, વહી ધનુષ વહી બાણ…
સિરિયામાં અડધી સદીથી ચાલતા અસદ કુુટુંબના શાસનનું પતન થયું છે. આરબ દેશોમાં ક્રાંતિ લાવનાર આરબ સ્પ્રિંન્ગ વખતે ટકી રહેનાર બશર અલ-અસદને દેશ છોડીને ભાગીને રશિયામાં આશરો લેવો પડ્યો છે. જે શાસકે અમેરિકા, ઈઝરાયલ અને તુર્કીને મચક આપી નહોતી એ જ શાસકનો સમય બદલાયો તો એમણે જાન બચાવવા બાંગ્લાદેશનાં શેખ હસીનાની જેમ રાતોરાત નાસી જવું પડ્યું.
સિરિયામાં બળવાખોરોએ ક્રાંતિનો ધ્વજ લહેરાવ્યો છે. આને લીધે અસદના ૨૪ વર્ષના જુલમી અને ક્રૂર શાસનનો અંત આવ્યો છે. એમના પદભ્રષ્ટ થવાથી સિરિયામાં ૧૪ વર્ષથી ચાલતા આંતરવિગ્રહનો કામચલાઉ અંત આવ્યો છે એમ કહી શકાય.
અસદના મુખ્ય ટેકેદારો રશિયા, ઈરાન અને હિજબુલ્લાહએ એમની સમસ્યાને લીધે પાણીમાં બેસી જતાં એ પદભ્રષ્ટ થયા હતા. સિરિયાની રાજધાની દમાસ્કસમાં હવે ‘હયાત તહરીર અલ શામ’ (એચટીએસ)એ કબજો જમાવ્યો છે. ‘એચટીએસ’ના બંડખોરોએ ફક્ત ૧૦ દિવસમાં જ હામા, હોમ્સ અને દમાસ્કસમાં કબજો જમાવતાં અસદને મોટી પીછેહઠ કરીને કાયરની જેમ નાસી જવું પડ્યું છે.
હવે અહીં લાખ રૂપિયાનો સવાલ તો એ છે કે સિરિયામાં કોણ સત્તા પર આવશે ? હાલમાં તો બશરના પલાયન થયા બાદ સિરિયાની સરકારના વડા એટલે કે વડા પ્રધાન મોહમ્મદ ગાઝી અલ જલાલીએ કટ્ટરવાદીઓ સામે શરણાગતિ સ્વીકારી છે. બળવાખોરનું કહેવું છે કે અમારું પહેલું લક્ષ્ય બશરને પદભ્રષ્ટ કરવાનું હતું.
બંડખોરોનાં અનેક જૂથો છે અને આમાં તુર્કી, ઈઝરાયલ અને અમેરિકાની ભૂમિકા મુખ્ય હતી. બશરે સત્તા પર એટલો મજબૂત કબજો જમાવ્યો હતો કે અમુક આરબ દેશોએ તો ગયા વર્ષે આ સરકાર સાથેના સંબધ સામાન્ય કર્યા હતા. અમેરિકા અને પશ્ર્ચિમના દેશો ‘હયાત તહરીર અસ-શામ’ અંગે સાવધાની રાખે છે. આ જૂથની ઓળખાણ આતંકવાદી સંગઠન તરીકેની છે.
તેના નેતા અબુ મોહમ્મદ અલ જુલાનીને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યા છે. અલ જુલાલી કહે છે કે જાહેર સંસ્થાઓનો કબજો નહીં સોપાય ત્યાં સુધી તે વડા પ્રધાનના હસ્તક રહેશે. જુલાનીએ તેની ઓળખાણ આતંકવાદીને બદલે વિનીત નેતા તરીકે પડે એવી કોશિશ કરી છે. એણે જેહાદી જેવી ટોપી પહેરવાની બંધ કરી છે.
તે ખાખી શર્ટ અને ટ્રાઉઝર પહેરે છે. આ એ જ જુલાની છે જે ૨૦૦૩માં સિરિયા છોડીને અમેરિકા સામે લડવા ઈરાક ગયો હતો. જુલાની કહે છે કે મારી ઈચ્છા પશ્ર્ચિમ પર આક્રમણ કરવાની નથી.
અસદની હકાલપટ્ટીમાં તુર્કીનો મોટો હાથ છે. અસદના જુલમથી નાસીને સિરિયાના અનેક લોકોને તુર્કીએ આશરો આપ્યો હતો.
આ પણ વાંચો : કવર સ્ટોરી : NBFC શું ગુલાબી દિવસો પૂરા થયા?!
અસદને એના મુખ્ય સમર્થક રશિયા અને ઈરાને કેમ મદદ ન કરી?
રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં એટલું પરોવાયેલું છે કે તે અગાઉની જેમ અસદને મદદ ન કરી શખ્યું. અસદના ટેકેદાર ઈરાનને તો મુખ્ય ફટકો પડ્યો છે. ઈરાન સિરિયા વાટે હમાસ અને હિજબુલ્લાહને હથિયારો અને બીજી સામગ્રી મોકલાવતું હતું. હવે ઈરાન માટે સંભવ નહીં બને.
અસદને મદદ કરવા ઈરાને ત્યાં તેના જવાનો મોકલ્યા હતા, પરંતુ આ જવાનો હાર સ્વીકારીને ઈરાન પાછા આવી ગયા. ઈઝરાયલ પર સીધું આક્રમણ કરવાની ઈરાને ધમકી આપી છે અને તે આની તૈયારી કરી રહ્યું હોવાથી અસદને મદદ ન કરી શક્યું. હિજબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયો હોવાથી તેણે પણ હાથ ખંખેરી લીધા.
સિરિયાના આંતર-વિગ્રહમાં બંડખોર જૂથો ઉપરાંત અમેરિકા, ઈરાન અને રશિયા જેવી આંતરરાષ્ટ્રીય શક્તિઓ સામેલ થતાં તે બહુઆયામી લડાઈ બની ગઈ. ૧૩ વર્ષ ચાલેલા આંતરવિગ્રહમાં પાંચ લાખ લોકો મરણ પામ્યાં છે. એક અઠવાડિયા જેવા ટૂંકા સમયમાં બંડખોરોએ ઈશાનના મોટા ભાગના પ્રદેશો પર કબજો જમાવ્યો હતો. બંડખોરોએ પાંચ ડિસેમ્બરે હામામાં વિજય મેળવ્યો હતો. આ જૂથે એક દિવસ બાદ હોમ્સ પર કબજો જમાવ્યો. આઠ ડિસેમ્બરે બંડખોરોએ દમાસ્કસ પર કબજો જમાવ્યો.
અસદની સરકાર ૨૦૧૧માં શરૂ થયેલા વિનાશકારી ગૃહયુદ્ધના કેન્દ્રમાં રહી હતી. અલ અસદે ૨૦૦૦માં સત્તા સંભાળી. અસદ અલવાઈત છે જે શિયા ઈસ્લામની શાખા છે. સિરિયામાં આ લોકો લઘુમતીમાં છે, જયારે સુન્નીઓ બહુમતીમાં છે. અસદે આરબ સ્પ્રીન્ગ વખતનાં શાંત પ્રદર્શનો પર ક્રૂર કાર્યવાહી કરી.
જેનાથી દેશવ્યાપી બંડ શરૂ થયું હતુ . અસદ સરકારે એક સમયે ઈરાન, રશિયા અને સશસ્ત્ર લડાયક જૂથ હિજબુલ્લાહની મદદથી સિરિયાનાં મોટાં ક્ષેત્રો પાછાં મેળવ્યાં. રશિયા, ઈરાન અને હજિબુલ્લાહ બીજે મોરચે પ્રવૃત્ત હતા તેનો બંડખોરોએ ફાયદો ઉઠાવ્યો.
સિરિયાના આ બળવામાં કુર્દ લઘુમતીનો પણ મોટો હાથ છે. આ સમુદાયને અમેરિકાનો મોટો ટેકો છે. આ સમુદાયના લોકોની કુર્દ ફોર્સે પણ અસદ સામે બંડ પોકાર્યું હતું. કુર્દે ઈશાનનાં શહેરોમાં જોરદાર પગદંડો જમાવ્યો છે. જોકે કુર્દ સમુદાય તુર્કીનો વિરોધી છે. તુર્કી તેને અલગતાવાદી સમુદાય ગણે છે.
તુર્કીની સેનાએ ઘણા વર્ષથી સિરિયામાં લશ્કરી દરમિયાનગીરી કરી હતી. તુર્કી સીરિયન નેશનલ આર્મી જેવાં સંગઠનોને ટેકો આપે છે. વિશ્ર્લેષકોનું માનવું છે કે અલ શામના નેતૃત્વમાં બંડખોરોએ કરેલા તાજા હુમલાને તુર્કીની મૌન સંમતિ હતી. તુર્કીના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને કોફિનમાં છેલ્લો ખીલો ઠોકવાની મંજૂરી આપી હતી
સિરિયામાં રશિયાનાં લશ્કરી મથકો છે. રશિયા પોતાનાં ફાઈટર વિમાનો વડે બંડખોરોને અનેક વાર કાબૂમાં લેતું હતું.
અસદની હકાલપટ્ટીથી સૌથી મોટું નુકસાન ઈરાનને થયું છે. સિરિયા ઈરાનની ‘એકસીસ ઑફ રેસિસ્ટન્સ’નો ભાગ હતું. આમાં હિજબુલ્લાહ, હમાસ અને હુતીનો સમાવેશ થાય છે. આનો ઉદેશ અમેરિકાનો વેસ્ટ એશિયામાંથી પ્રભાવ ઓછો કરવાનો છેે. જોકે બંડખોરની આગેકૂચ જોઈને ઈરાને તેના જવાનો અને કમાન્ડરોને પાછા બોલાવી લીધા.
ઈરાનના આયોતોલ્લાના શાસન સામે વિરોધની આને લીધે શરૂઆત થઈ શકે. ઈરાનના પ્રમુખ જેવા મવાળોના હાથ મજબૂત થશે. સઉદી અરેબિયા અને કુવૈત જેવા સુન્ની બહુમતીવાળા દેશો ઈરાનનું પ્રભુત્વ ઓછું થયું એનાથી ખુશ થયા છે.
એ પણ સંભવ છે કે રશિયાના પ્રમુખ પુતિન અને અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પ વચ્ચે ગુપ્ત ડીલને લીધે અશદનું પતન થયું છે. રશિયા અસદને ટેકો ન આપે તો અમેરિકા મધ્યસ્થી કરીને રશિયા અને યુક્રન વચ્ચેનો જંગ સમાપ્ત કરી દેશે એવી પુતિનને ટ્રમ્પે ખાતરી આપી હોઈ શકે.
જોકે પ્રાદેશિક અસ્થિરતાની અસર લેબેનોન, જોર્ડન અને ઈરાક પર પડશે. આ દેશોમાં નિરાશ્રિતોનો ધસારો, આતંકવાદી હુમલા અને રાજકીય અશાંતિ વધી જશે. ઈરાકમાં સદ્દામ હુસેનના ગયા પછી અસ્થિરતા આવી છે. સિરિયાના હાલ આવા ન થાય એવી આશા રાખવી વધુ પડતી હશે.