સોશિયલ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓએ બાબરને ઉતારી પાડતી ટિપ્પણીઓ લખી
ડરબન: પાકિસ્તાનની ટીમ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં 0-3ની હાર સહન કર્યા બાદ ઝિમ્બાબ્વેમાં 2-1થી જીતીને સાઉથ આફ્રિકા આવી છે, પરંતુ અહીં સિરીઝની પહેલી જ મૅચમાં પાકિસ્તાનની ટીમનો પરાજય થયો છે. ખાસ કરીને ઓપનર બાબર આઝમનો ઝીરો અસંખ્ય ક્રિકેટ ચાહકોને ખૂંચ્યો છે. મંગળવારે ડરબનમાં સાઉથ આફ્રિકા સામે મોહમ્મદ રિઝવાનના નેતૃત્વમાં પાકિસ્તાનનો ટી-20 સિરીઝની પહેલી રોમાંચક મૅચમાં 11 રનથી પરાજય થયો હતો. યજમાન ટીમ સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે.
પાકિસ્તાનની ટીમ 184 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં આઠ વિકેટે 172 રન બનાવી શકી હતી. ખુદ કેપ્ટન રિઝવાને (74 રન, 62 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) હાફ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ બીજો કોઈ બૅટર 35 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. ઇન્ફોર્મ બૅટર સઇમ અયુબ 31 રનનું યોગદાન આપી શક્યો હતો. ઓપનિંગમાં બાબર પોતાના ચોથા જ બૉલ પર નવા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર કવેના મફાકાના બૉલમાં કૅચઆઉટ થયો હતો. શોર્ટ-પિચ બૉલમાં અપર કટ મારવા જતાં તે થર્ડ મૅન પર સિમલેનના હાથમાં કૅચ આપી બેઠો હતો.
રિઝવાન અને સઇમ વચ્ચે 40 રનની ભાગીદારી થઈ હતી. સાઉથ આફ્રિકાના લેફ્ટ-આર્મ સ્પિનર જ્યોર્જ લિન્ડેએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. રિઝવાનને પણ મફાકાએ આઉટ કર્યો હતો. એ પહેલાં, સાઉથ આફ્રિકાની ઇનિંગ્સમાં ડેવિડ મિલરે (82 રન, 40 બૉલ, આઠ સિક્સર, ચાર ફોર) તૂફાની બૅટિંગ કરી હતી. શાહીન શાહ આફ્રિદીએ તેની વિકેટ લીધી હતી. લિન્ડેએ (48 રન, 24 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) બૅટિંગમાં પણ કમાલનું પર્ફોર્મ કર્યું હતું અને તેને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો એવોર્ડ અપાયો હતો.
Also read: માર્ક ટેલરે ભારતીય ખેલાડીઓને કહ્યું, `સિરાજને જરા સમજાવો, તે અમ્પાયરના નિર્ણય પહેલાં જ…’
ગયા વર્ષે ભારતમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપથી બાબર આઝમના માથે પનોતી બેઠી છે. તે ઘણા દિવસના આરામ બાદ પાછો રમવા આવ્યો છે, પરંતુ મંગળવારે ચોથા જ બૉલમાં ઝીરોમાં આઉટ થઈ જતાં ચાહકો સોશિયલ મીડિયામાં તેના પર વરસી પડ્યા છે. એક ક્રિકેટપ્રેમીએ પોસ્ટમાં લખ્યું હતું કે “બાબરે પોતે જ પોતાનામાં રહેલા સુપરસ્ટારને ખતમ કરી નાખ્યો છે.” બીજા એક નેટ યુઝરે લખ્યું, “ટી-20 ક્રિકેટમાં બાબર આઝમ ઓપનિંગમાં રમે એ આ ફોર્મેટનું અપમાન કહેવાય. “અન્ય એક ક્રિકેટપ્રેમીએ લખ્યું, “પાકિસ્તાનને જ્યારે જરૂર હોય છે ત્યારે જ બાબર સારું રમી નથી શકતો.”