ફરી કોઈ મહામારી તો નહીં આવે ને?! લેબોરેટરીમાંથી ખતરનાક વાયરસના સેંકડો સેમ્પલ ગુમ
નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે ફેલાયેલી કોવીડ-19 પાનડેમિકની અસરોમાંથી દુનિયાભરના દેશો ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. કોરોના વાયરસ ફેલાવાના કારણો અંગે અનેક અટકળો લાગવવામાં આવી હતી, એક અટકળ એવી પણ હતી ચીનની એક લેબોરેટરીમાં આ વાયરસ બનાવવામાં આવ્યો હતો અને કોઈ રીતે લીક થઇ ગયો હતો, જોકે આ અટકળોની પુષ્ટિ થઇ શકી ન હતી. એવામાં ઑસ્ટ્રેલિયાથી એક ચિંતાજનક અહેવાલ મળી રહ્યો છે. ક્વીન્સલેન્ડની એક લેબોરેટરીમાંથી ખતરનાક વાયરસના સેંકડો સેમ્પલ ગુમ (Virus samples went missing from lab) થયા છે.
મીડિયા અહેવાલ અનુસાર, સરકારે આ ઘટનાને ‘બાયોસિક્યોરીટી પ્રોટોકોલના ભંગ’ તરીકે જાહેર કરી છે અને જાહેર આરોગ્ય વિભાગને, આ અંગે તપાસ શરૂ કરવા સૂચના આપી છે.
આ વાયરસમાં સેમ્પલ ગુમ:
અહેવાલ મુજબ ક્વીન્સલેન્ડની પબ્લિક હેલ્થ વાઈરોલોજી લેબોરેટરીમાંથી ઓગસ્ટ 2023 માં હેન્ડ્રા વાયરસ (Hendra virus,), લિસાવાયરસ (Lyssavirus)અને હંટાવાયરસ (Hantavirus) સહિત ઘણા ચેપી વાયરસની 323 વાઈલ્સ ગુમ થઈ ગઈ હતી.
કેટલા ખતરનાક છે આ વાયરસ:
હેન્ડ્રા એ ઝૂનોટિક (પ્રાણી-થી-માનવમાં ફેલાતો) વાયરસ છે જે ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર હંટાવાયરસ એ વાયરસનું એક ફેમીલી છે, જેનાથી લોકોને ગંભીર બીમારી થઇ શકે છે અને મૃત્યુ પણ નીપજી શકે છે. જ્યારે લિસાવાયરસ એ વાયરસનું એક ગ્રુપ છે જે હડકવાનું કારણ બની શકે છે.
Also read: ચીનના H9N2 વાયરસથી પ્રભાવિત થયા આ 10 દેશ
જાણકારોના મત મુજબ કેટલાક હંટાવાયરસના કેસમાં મૃત્યુ દર 15% સુધી હોય છે, જે COVID-19 કરતા 100 ગણા વધુ ઘાતક હોય શકે છે. ત્રણેય પેથોજેન્સથી પ્રાણીઓ અને પશુધન માટે જોખમી છે. અન્ય અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે U.S. માં આવી જ રીતે હાઇ-પ્રોફાઇલ બાયોસિક્યુરિટી લેપ્સ જોવા મળી છે.