ઢાકા: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયના લોકો અને ધર્મસ્થાનો પર થઇ રહેલા હુમલા વિરુદ્ધ ભારતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો (Attack on Hindus in Bangladesh) થઇ રહ્યા છે. ભારત સરકારે પણ બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર કાર્યવાહી કરવા દબાણ વધાર્યું છે. એવામાં મંગળવારે બાંગ્લાદેશે જાણકારી આપી હતી કે ઓગસ્ટમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી લઘુમતીઓને, મુખ્યત્વે હિન્દુઓને નિશાન બનાવતી સાંપ્રદાયિક હિંસાની 88 ઘટનાઓની પુષ્ટિ થઇ છે.
આટલા લોકોની ધરપકડ:
વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી, શફીકુલ આલમે પણ કહ્યું કે સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓના સંબંધમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સોમવારે બાંગ્લાદેશના નેતાઓ સાથેની બેઠકો દરમિયાન ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ લઘુમતીઓ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ મંગળવારે આ ખુલાસો થયો છે.
સંખ્યા વધવાની સંભાવના:
શફીકુલ આલમે પત્રકારોને જણાવ્યું હતું કે 5 ઓગસ્ટથી 22 ઓક્ટોબર વચ્ચે લઘુમતીઓ પર હુમલાના કુલ 88 કેસ નોંધાયા છે. કેસો અને ધરપકડની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે કારણ કે પૂર્વોત્તર સુનમગંજ, ગાઝીપુર અને અન્ય વિસ્તારોમાં હિંસાની નવી ઘટનાઓ બની રહી છે.
Also Read – “હિંદુઓની સુરક્ષા પહેલા સુનિશ્ચિત કરો….” ઢાકામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં બોલ્યા ભારતીય વિદેશ સચિવ…
હુમલાનું આ કારણ પણ હોઈ શકે છે:
તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે કેટલાક પીડિતો અગાઉના શાસક પક્ષના સભ્યો હોઈ શકે છે. કેટલીક ઘટનાઓમાં હિન્દુઓને તેમના ધર્મને કારણે નિશાન બનાવવામાં આવ્યા ન હતા. શફીકુલ આલમે કહ્યું કે “કેટલાક હુમલાઓમાં એવા વ્યક્તિઓને નિશાન બનવવામાં આવ્યા હતાં, જેઓ અગાઉના શાસક પક્ષના ભૂતપૂર્વ સભ્યો હતા અથવા હુમલાખોરો સાથે વ્યક્તિગત વિવાદો હતાં. હિંસા થઈ ત્યારથી, પોલીસ યોગ્ય પગલાં લઈ રહી છે.”
તેમણે કહ્યું કે 22 ઓક્ટોબર પછી બનેલી ઘટનાઓની વિગતો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ સામે હિંસાની ઘટનાઓ તેમજ મંદિરો પર હુમલાની ઘટનાઓ વધી છે, જેને કારણે ભારતમાં ચિંતા વધી છે.