નવી દિલ્હી : ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી દેશના હવામાનમા બદલાવ(Weather Update)આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 11 ડિસેમ્બરથી સતત ઠંડીનું મોજું રહેવાની શક્યતા છે, પશ્ચિમ રાજસ્થાનમાં પહેલેથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં આજે શીત લહેરનો અનુભવ થવાની સંભાવના છે.
કોલ્ડ વેવની આગાહી
જ્યારે પૂર્વ રાજસ્થાનમાં 13 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આ અઠવાડિયે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં શીત લહેર આવવાની શક્યતા છે.
ગાઢ ધુમ્મસ જોવા મળશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, સિક્કિમ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.
આ રાજ્યોમાં હિમવર્ષાનું એલર્ટ
સોમવારે હિમાચલ પ્રદેશમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. આગામી દિવસોમાં વધુ ઊંચાઈએ હિમવર્ષા ચાલુ રહેવાની ધારણા છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ બરફની ચાદર જોવા મળી હતી. જમ્મુ-કાશ્મીરના ઝોજિલામાં લઘુત્તમ તાપમાન માઈનસ 21 ડિગ્રી થઈ ગયું છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 ડિસેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ સહિત દક્ષિણ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત 11 થી 13 ડિસેમ્બર સુધી તટીય આંધ્ર પ્રદેશ, યાનમ અને રાયલસીમાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડેટા સૂચવે છે કે 12 અને 13 ડિસેમ્બરના રોજ દક્ષિણ આંતરિક કર્ણાટકમાં તેમજ કેરળ અને માહેમાં 12 થી 14 ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
Also Read – Gujarat માં કોલ્ડ વેવ, હવામાન વિભાગે કરી આ આગાહી
દિલ્હીમાં મહત્તમ તાપમાનમાં 02 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઠંડીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીના લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થયો છે જ્યારે મહત્તમ તાપમાનમાં 02 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. આ સિવાય રાષ્ટ્રીય રાજધાનીમાં 12 ડિસેમ્બર સુધી આકાશ સ્વચ્છ રહેશે. હવામાન વિભાગનો અંદાજ છે કે આ સપ્તાહના અંતમાં કોલ્ડવેવની સ્થિતિ વધુ તીવ્ર બની શકે છે.