Syria War: ભારતે સીરિયાથી 75 ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, લેબનોન પહોંચ્યા
નવી દિલ્હી : સીરિયામાં(Syria)બળવાખોર દળોએ બશર અલ-અસદની સરકારને હટાવ્યા બાદ સતત તણાવ વધી રહ્યો છે. જેના પગલે ભારતે સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ બે દિવસ બાદ મંગળવારે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસોએ સ્થળાંતર પ્રક્રિયાનું સંકલન કર્યું.
ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા
વિદેશ મંત્રાલયે મોડી રાત્રે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે આજે 75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા છે.તેમાં કહેવામાં આવ્યું છે કે, જેઓને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં જમ્મુ અને કાશ્મીરના 44 તીર્થયાત્રીઓનો સમાવેશ થાય છે. જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે. જે કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
Also Read – Syrian Civil War: પ્રજા ભૂખે મરી રહી હતી અને અસદને જાહોજલાલી! જુઓ લક્ઝરી કારોનો કાફલો
સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખશે
તેમાં કહેવામાં આવ્યું છે કે, સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખશે.