રાજકોટમાં અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાના પતિનું કાસળ કાઢ્યું
Rajkot News: રાજકોટમાં અનૈતિક સંબંધનો (extra maritail affair) કરૂણ અંજામ આવ્યો હતો. પ્રેમિકાને કાયમી પામવા પ્રેમીએ તેના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. મળતી વિગત પ્રમાણે, રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે સરાજાહેર મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા કરનારા સાગર મકવાણા અને તેના મિત્ર સંજય સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અનૈતિક સંબંધની શંકા પરથી યુવકની હત્યા કરી, મૃતદેહ મીઠી નદીમાં ફેંક્યો: ત્રણ જણની ધરપકડ
શું છે મામલો
પોલીસ તપાસમાં મૃતક મુકેશ ગુજરાતીની પત્ની શોભના અને સાગર મકવાણા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. એલસીબી ટીમ દ્વારા શોભનાના પ્રેમી સાગર મકવાણા (ઉ.વ.24) તેમજ તેના મિત્ર સંજય સોલંકી (ઉ.વ.22)ને ગોંડલ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતી. મુકેશ ગુજરાતીની પત્ની શોભના સાથે સાગર મકવાણાને પ્રેમ સંબંધ હતો. જેથી મુકેશ ગુજરાતી શોભના અને સાગરની વચ્ચે અડચણરૂપ બનતો હોવાથી પ્રેમી સાગર દ્વારા પોતાના મિત્ર સંજય સોલંકી સાથે મળીને બોથડ પદાર્થ વડે ઘા ઝીંકીને મુકેશ ગુજરાતીની હત્યા કરવામાં આવી હતી.
દોઢ મહિનાથી ચાલતો હતો અણબનાવ
ઉલ્લેખનીય છે કે હત્યાના દોઢ મહિના પહેલા શોભના પોતાના પતિ મુકેશ ગુજરાતીને છોડીને પ્રેમી સાગર મકવાણા સાથે જતી રહી હતી. જેથી છેલ્લા દોઢ મહિનાથી મુકેશ ગુજરાતી અને સાગર મકવાણા વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સાગર મકવાણા વિરુદ્ધ અગાઉ અપહરણ, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ત્રણ-ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે મરણ જનાર મુકેશ ગુજરાતી વિરુદ્ધ ઘરફોડ ચોરી સહિતના ગુના નોંધાયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી.