ખાતાની વહેંચણીની અકળામણને કારણે બે નાયબ મુખ્યમંત્રીઓ ખાતા વગર
મુંબઈ: મહાગઠબંધનમાં પોર્ટફોલિયોની વહેંચણીની સમસ્યાને કારણે એકનાથ શિંદે અને અજિત પવાર બંને હાલમાં પોર્ટફોલિયો વગરના નાયબ મુખ્ય પ્રધાન છે. ત્રણેય વચ્ચે ખાતાની વહેંચણી ન થવાને કારણે છેલ્લા ચાર-પાંચ દિવસમાં શિંદે-પવાર તેમની મંત્રાલયની ઓફિસમાં ફરક્યા નથી, તેઓ અધિકારીઓની મીટિંગ કે અન્ય કોઈ કામ શરૂ કરી શક્યા નથી.
દેવેન્દ્ર ફડણવીસે ગયા ગુરુવારે પાંચમી ડિસેમ્બરે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તે સમયે શિંદે અને પવારે પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તે દિવસે, ત્રણેય કેબિનેટની પ્રથમ બેઠક માટે મંત્રાલય ગયા હતા. જે બાદ શનિવારથી ત્રણ દિવસ માટે વિધાનસભાનું સત્ર ચાલ્યું હતું. એવું ચર્ચાઈ રહ્યું છે કે શિંદેએ ગૃહ ખાતાનો તેમનો આગ્રહ છોડ્યો નથી પરંતુ ભાજપે તેના બદલે મહેસૂલ ખાતું છોડવાની તૈયારી દર્શાવી છે.
જો કે, જો છેલ્લી કેબિનેટની બેઠકમાં મહેસૂલ, નગર વિકાસ, જાહેર બાંધકામ, પરિવહન, આરોગ્ય વગેરે ખાતા શિવસેનાને જાય છે અને નાણાં, કૃષિ અને અન્ય કેટલાક ખાતાઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને જાય છે, તો ભાજપની પાસે પ્રમાણમાં વગદાર હાઉસિંગ, ગ્રામ વિકાસ, સહકાર ખાતા સિવાયના ગૌણ ખાતાઓ હોવાનું કહેવાય છે. ભાજપે 132 બેઠકો જીતી છે અને શિવસેના અને એનસીપીમાં મોકલેલા 11 વિધાનસભ્યો પણ ચૂંટાયા છે. તેથી ભાજપ વધુ પ્રધાનપદાં અને મહત્વપૂર્ણ ખાતાં ઈચ્છે છે.
અત્યારે પણ ફડણવીસ, શિંદે અને પવાર વચ્ચેની ચર્ચા ઉકેલાઈ ન હોવાથી 14 ડિસેમ્બર સુધી કેબિનેટનું વિસ્તરણ થશે કે કેમ તે અંગે શંકા છે. નાગપુરમાં 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વિધાનસભાનું શિયાળુ સત્ર યોજાઈ રહ્યું છે અને મહિનાના અંત સુધીમાં કેબિનેટનું વિસ્તરણ થવાની સંભાવના છે.