સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓની દુર્દશા પર ચર્ચા કરવા દેતી નથી: સેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)એ મંગળવારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા પર સંસદમાં ચર્ચાની મંજૂરી ન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
ભગવા પક્ષનું હિંદુત્વ ‘રાજકીય દૃષ્ટિએ વ્યવહારુ, સ્વાર્થી અને દંભી’ છે, એમ પાર્ટીના મુખપત્રના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે. ભાજપનું હિંદુત્વનું સમર્થન ‘બટેંગે તો કટંગે’ (વિભાજિત થશું તો નાશ પામીશું) જેવા સૂત્રોચ્ચાર કરીને અને સમાન નાગરિક સંહિતા અને વકફ બોર્ડ કાયદામાં સુધારા વિશે વાત કરીને હિંદુઓના મનમાં ભય પેદા કરવા માટે મર્યાદિત છે.
‘હિંદુઓ પરના અત્યાચારો પર સંસદમાં ચર્ચાની મંજૂરી અપાતી નથી અને ભાજપ દ્વારા જ્યોર્જ સોરોસને મુદ્દે કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે,’ એમ તેમાં દાવો કરવામાં આવ્યો છે.
શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારની ઘટનાઓ ભાજપને જરાય અસ્વસ્થ કરતી નથી, એમ જણાવતાં સામનામાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ પાડોશી દેશમાં ચૂંટણી લડતી નથી, તેથી તેને ત્યાંના હિંદુઓની ચિંતા થતી નથી.
આ પણ વાંચો…રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: મીરારોડની હિંસા માટે પકડાયેલા ૧૪ ને જામીન…
બાંગ્લાદેશની સ્થિતિને લઈને હિન્દુ સંગઠનો પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં દેખાવો કરી રહ્યા છે, પરંતુ ભાજપ અથવા તેના સહયોગી સંગઠનોના નેતાઓ આ વિરોધ પ્રદર્શનોમાં ક્યાંય દેખાતા નથી, એવો દાવો સંપાદકીયમાં કરવામાં આવ્યો છે. ભગવી પાર્ટી માટે સંભલ મસ્જિદ અને અજમેર શરીફ દરગાહ જેવા મુદ્દાઓ વધુ મહત્વના હતા, એમ તેમાં લખવામાં આવ્યું છે. શિવસેના (યુબીટી) મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવી રહી છે, તેમ તંત્રીલેખમાં ઉમેર્યું હતું.
સામનાએ કહ્યું કે જે લોકો દાવો કરે છે કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે હિન્દુત્વની વિચારધારાને છોડી દીધી હતી, તેઓએ પોતાને પૂછવું જોઈએ કે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે શું કર્યું. સત્તાધારી અને વિપક્ષી બેન્ચના સભ્યોએ જ્યોર્જ સોરોસ અને અદાણીના મુદ્દાઓ પર આરોપોની લેવડ-દેવડ કરતાં હોબાળાના દ્રષ્યો વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી મંગળવારે બપોરે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.