જમણવારમાં લાડુને બદલે કાજુ કતરી બનાવતા બબાલમાં રસોયાનું મૃત્યુ….
ધાનેરા: બનાસકાંઠામાં એક લગ્ન પ્રસંગમાં રસોયા સાથે મીઠાઇ બનવવાને લઈને થયેલા ઝઘડામાં રસોયાનું મોત થઈ ગયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં એક લગ્ન પ્રસંગમાં રાજસ્થાનથી આવેલા 42 વર્ષીય રસોયાએ જમણવારમાં લાડુના બદલામાં કાજુ કતરી બનાવી હતી, જેને લઈને રસોયા અને સગાઓ વચ્ચે ઝઘડો અને કથિત મારામારી બાદ તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ધાનેરાનો છે બનાવ
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની છે. જ્યાં સામરવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં રાજસ્થાનના સુખદેવ પ્રજાપતિને રસોયાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં રસોઈમાં સુખદેવ પ્રજાપતિએ લાડુને બદલે કાજુ કતરી બનાવી હતી. જેને લઈને રસોયા અને સગાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં રસોયાને સગાએ કથિત રીતે ધક્કો મારી દેતા તે નીચે પડી ગયા અને બેભાન થઈ ગયા હતા. આથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે પોલીસનું નિવેદન
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, “સમરવાડાના રહેવાસી દેવાભાઇ મહેશ્વરીએ સુખદેવ પ્રજાપતિને તેમના ભત્રીજાના લગ્નમાં મીઠાઈઓ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં મીઠાઇમાં લાડુ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરતું અમુક મૂંઝવણને કારણે તેમણે કાજુ કતરી બનાવી નાખી હતી. જેનાથી ઘરધણી અને તેના ત્રણ સંબંધીઓ ગુસ્સે થયા હતા અને રસોયા સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરી તેને માર માર્યો હતો, તેને ધક્કો મારવામાં આવતા તે પડી ગયો હતો.
પોલીસે નોંધ્યો ગુનો
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ બાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે અન્ય એક સૂત્રના જણાવ્યા અનુસાર પોસ્ટ માર્ટમ રિપોર્ટમાં હ્રદયરોગથી મોત થયું હોવાના અહેવાલો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અમને કોઇ મોટી લડાઈનો કોઈ પુરાવો મળ્યો નથી. આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.