નેશનલ

ઈઝરાયલ-પેલેસ્ટાઈનમાં રહેતા ભારતીયોને મદદ કરવા માટે સરકારે ભર્યું આ પગલું

નવી દિલ્હીઃ ઈઝરાયલ પર પેલેસ્ટાઈન સ્થિત આતંકવાદી સંગઠન હમાસે રોકેટ હુમલો કર્યા પછી બંને દેશ વચ્ચે યુદ્ધ શરુ થઈ ગયું છે. આ સંજોગોમાં દુનિયાના દેશો બે ભાગમાં ધીમે ધીમે વહેંચાઈ રહ્યા છે, તેનાથી અનેક દેશોની ચિંતા વધારી છે. આ સંજોગોમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં રહેતા વિદેશીઓ માટે અનેક દેશોએ એડવાઈઝરી બહાર પાડી છે ત્યારે ભારત સરકારે પણ ભારતીય નાગરિકોને મદદ કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે અને એની સાથે સતર્ક રહેવાની અપીલ કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પરના અગ્રણી પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંટ્રોલ રુમ ચાલુ કરવામાં આવ્યો છે, જે 24 કલાક ચાલુ રહેશે.

બાગચીએ આગળ લખ્યું છે કે આ ઈમર્જન્સી નંબર 1800118797, +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988 છે. એના સિવાય ઈમેલ Situnationroom@mea.gov.in પર પણ ભારતીય લોકો ઈમર્જન્સીની સ્થિતિમાં મદદ માગી શકે છે. બાગચીએ અન્ય એક ફોટોમાં જણાવ્યું છે ઈઝરાયલના તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસના ઈમર્જન્સી નંબર +972-35226748 અને +972- 543278392 છે તથા તેનો ઈમેલ const.telaviv@mea.gov.in રાખ્યો છે.

દરમિયાન ઈઝરાયલમાં ભારતના રાજદૂત સંજીવ સાંગાએ કહ્યું હતું કે અમે ભારતીયો માટે નિરંતર કામ કરી રહ્યા છીએ તથા લોકોને નિર્ધારિત ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરીએ છીએ. દરમિયાન પેલેસ્ટાઈન સ્થિત ભારતના પ્રતિનિધિ કાર્યાલયે જણાવ્યું હતું કે આ ઇમરજન્સી નંબર 24 કલાક કાર્યરત રહેશે. આ નંબર +970 -592916418 છે. વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે. પ્રતિનિધિ કાર્યાલયે જણાવ્યું છે કે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને, ભારતીયો અમારો સીધો સંપર્ક કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button