સ્પોર્ટસ

કપિલ દેવ એક શરતે વિનોદ કાંબળીને આર્થિક મદદ કરવા તૈયાર છે

સુનીલ ગાવસકર સહિત 1983 વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમ પણ સહાય કરવા માગે છે

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીની બગડતી જતી તબિયત અને તે પોતાનું ગુજરાન ચલાવવા પૂરતી સારી આર્થિક સ્થિતિમાં પણ ન હોવાના અહેવાલો બહાર આવવાને પગલે ભારતના ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવે કાંબળીને મદદ કરવાની તૈયારી બતાવી છે, પરંતુ એ માટે કપિલે એક શરત મૂકી છે.

કાંબળી બાવન વર્ષનો છે. તે 1991થી 2000 દરમ્યાન ભારત વતી કુલ 17 ટેસ્ટ અને 104 વન-ડે રમ્યો હતો જેમાં તેણે કુલ મળીને છ સેન્ચુરી સહિત 3,500થી વધુ રન બનાવ્યા હતા. તે છેલ્લી ફર્સ્ટ-ક્લાસ સ્તરની મૅચ 2004માં વાનખેડેમાં રમ્યો હતો. એ રણજી ટ્રોફી મૅચમાં કાંબળી મુંબઈનો કૅપ્ટન હતો. કાંબળી આક્રમક બૅટિંગ માટે જાણીતો હતો. તેને ટૂંકી કરીઅર દરમ્યાન ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવા માટે ઘણી તક મળી હતી અને તે ખૂબ લોકપ્રિય ક્રિકેટર પણ હતો. દારૂની લતે ચડેલા કાંબળીએ એક વર્ષથી લિકરને હાથ નથી અડાડ્યો એવું તાજેતરમાં એક અહેવાલમાં જણાવાયું હતું.

કપિલ દેવની કાંબળીને મદદ કરતાં પહેલાંની શરત એ છે કે કાંબળીએ ખરા અર્થમાં રિહૅબિલિટેશન હાથ ધરવું પડશે. કપિલે એક ટૂર્નામેન્ટના ઓપનિંગ પ્રસંગે પ્રવચનમાં કાંબળીના વિષયમાં કહ્યું, અમે બધા તેને (કાંબળીને) સપોર્ટ કરવા માગીએ છીએ. સુનીલ ગાવસકરે તો મને અગાઉથી જ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ વતી આ વાત (કાંબળીને મદદ કરવાની વાત) કરી છે અને હું પણ મદદ માટે તૈયાર છું, પરંતુ મારું કહેવું એ છે કે ખુદ કાંબળીએ પોતાની સહાય માટે તૈયારી બતાવવી પડશે. તે પોતાના પર જ (પોતાની તબિયત બાબતમાં) ધ્યાન ન આપે તો અમે તેને કેવી રીતે મદદ કરી શકીએ.' ગાવસકરે તાજેતરમાં કહ્યું હતું કેકાંબળી ફરી પગભર થઈ શકે એટલી હદે અમે 1983ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ વતી તેને મદદ કરવા તૈયાર છીએ.

આ પણ વાંચો…WTC ફાઈનલમાં પ્રવેશ માટે ભારતીય ટીમ પાકિસ્તાન પર નિર્ભર, જાણો નવું સમીકરણ

તાજેતરમાં એક ઇવેન્ટમાં કાંબળી તેના વર્ષો જૂના મિત્ર અને ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકર પાસે મદદ માટે કરગરી રહેલો જોવા મળ્યો હતો.

સચિન અને કાંબળી, બન્ને શારદાશ્રમ વિદ્યામંદિર સ્કૂલમાં સાથે ભણ્યા હતા તેમ જ શિવાજી પાર્કમાં કોચ રમાકાંત આચરેકર પાસે સાથે ક્રિકેટની તાલીમ લીધી હતી. 1988માં હૅરિસ શીલ્ડની સેમિ ફાઇનલમાં સચિન-કાંબળી વચ્ચે 664 રનની વિક્રમજનક ભાગીદારી થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button