તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

ફાઈનાન્સના ફંડા: કરજની લેતી-દેતી વખતે શું ધ્યાનમાં રાખવું?

-મિતાલી મહેતા

તમે કોઈની પાસેથી નાણાં ઉછીનાં લીધાં હોય તો તમે એ વ્યક્તિના કરજદાર કહેવાઓ અને એ તમારા લેણદાર. આજના જમાનામાં કરજ પ્રત્યે કોઈ સૂગ નથી. ફક્ત ફરક એટલો જ છે કે કરજ કયા સંજોગોમાં અને કેટલું સારું કહેવાય. તમે ક્રેડિટ કાર્ડ વાપરતા હો તો પણ તમે જ્યાં સુધી એનું બિલ ચૂકવો નહીં ત્યાં સુધી કરજદાર ગણાવ.

કરજ લેનારે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કરજ-લોન પોતાનાં ગજાં બહાર પહોંચી જાય નહીં. આથી જ કરજનું વ્યવસ્થાપન કરવું જરૂરી બને છે. યોગ્ય આયોજન, બજેટિંગ અને રોકડપ્રવાહની વ્યવસ્થા દ્વારા કરજનું નિયમન થઈ શકે છે. કાળક્રમે કરજમુક્ત થવું એ જ એનું ધ્યેય હોય છે. કરજ માટે આજકાલનો પ્રચલિત શબ્દ છે ‘લોન’ ચાલો, આપણે વાતની શરૂઆત લોનના પ્રકારથી કરીએ.

લોનના પ્રકાર:
ઔપચારિક લોન: બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લેવાતી લોન ઔપચારિક લોનની શ્રેણીમાં આવે છે. એમાં પણ બે પ્રકાર હોય છે:

અ) સિક્યોર્ડ લોન અને બ) અનસિક્યોર્ડ લોન.
અ) સિક્યોર્ડ લોનમાં કરજદારે કોઈ જમાનત આપવી પડે છે. જો કરજદાર લોન ચૂકવી શકે નહીં તો એ જમાનતમાંથી વસૂલી થઈ શકે છે. આવી લોનમાં પ્રમાણમાં ઓછો વ્યાજદર હોય છે. હોમ લોન એ સિક્યોર્ડ લોનનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.

બ) અનસિક્યોર્ડ લોન લેતી વખતે કોઈ જમાનત આપવી પડતી નથી. આથી લોન આપનારાનું જોખમ વધારે હોય છે. આથી જ આ પ્રકારની લોનના વ્યાજદર ઊંચા હોય છે. પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લોન આનાં ઉદાહરણ છે.

અનૌપચારિક લોન: મિત્રો, પરિવારજનો અને પરિચિતો કે સંબંધીઓ પાસેથી લેવાતી લોન આ શ્રેણીમાં આવે છે.
લોનની વાત આવે ત્યારે ઘણાં બધાં પરિબળોને ધ્યાનમાં લેવાં પડતાં હોય છે. પર્સનલ લોન, કાર લોન વગેરે લોન લઈ લીધાં બાદ એના પર ઘણું વ્યાજ ચૂકવવું પડે છે. આવામાં રોકાણો પરનું વળતર લોનની ચુકવણી કરવા જેટલું મળતું નથી. આથી આવકનો ઘણો મોટો હિસ્સો લોન પરનું વ્યાજ ચૂકવવામાં ખર્ચાઈ જતો હોય છે. આ નાણાં નિવૃત્તિકાળના ભંડોળ જેવાં નાણાકીય લક્ષ્યો માટે ભેગાં કરવામાં વાપરી શકાયાં હોત.

લોકો વર્તમાન ઉપભોગને ધ્યાનમાં રાખે છે, પરંતુ ભાવિ લક્ષ્યો તરફ દુર્લક્ષ કરે છે. જો તમે ધિરાણ બાબતે વ્યવસ્થિત નિર્ણયો લીધા હોય તો આવું બને નહીં.

જોકે, અહીં એ પણ જાણી લો કે ક્યારેક લોન સારી પણ હોય છે. જે અસ્કયામતના ભાવમાં વૃદ્ધિ થવાની આશા હોય અને ભવિષ્યમાં એ અસ્કયામતમાંથી આવક રળવાની સંભાવના હોય એના માટે લોન લેવી સારી. અહીં આપણે શૈક્ષણિક લોનની વાત કરી રહ્યા છીએ.

ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવતી શૈક્ષણિક લોન તમે સહેલાઈથી લઈ શકો છો, કારણ કે એ અભ્યાસ કર્યા પછી સારા પગારની નોકરી મળી શકે છે. સારા પગારને લીધે તમે લોન ચૂકવ્યા બાદ પણ સારી જીવનશૈલી માણી શકો છો. નફાકારક બિઝનેસ માટે અને જ્યાં મૂલ્યની વૃદ્ધિ થવાની સંભાવના હોય એવી પ્રોપર્ટીની ખરીદી માટે લેવાતી લોન પણ સારી લોન ગણી શકાય છે.


Also read: મગજ મંથન : એટલે જ માતા દીકરીને જન્મ આપતા અચકાય છે!


બીજી તરફ, કેટલીક લોનને ખરાબ લોન કહેવામાં આવે છે. જે અસ્કયામતના મૂલ્યમાં ઘસારો લાગવાનો હોય અને ભવિષ્યમાં એને લીધે ખર્ચ વધવાનો હોય એવી લોનને ખરાબ લોન કહી શકાય. કાર લોન આનું એક ઉદાહરણ છે. કારને હંમેશાં ડેપ્રિશિયેશન લાગુ થતું હોય છે.

કાર ચલાવવા માટે પેટ્રોલનો અને એના સર્વિસિંગ માટે ખર્ચ કરવો પડતો હોય છે. એ ઉપરાંત કાર ઇન્સ્યોરન્સનો ખર્ચ પણ થતો હોય છે. આવી લોન હંમેશાં બોજારૂપ બને છે. ક્રેડિટ કાર્ડ લોન, રજાઓ માણવા માટેની કે ઈલેક્ટ્રૉનિક્સ ખરીદવા માટેની પર્સનલ લોન પણ ખરાબ લોનનું ઉદાહરણ છે અને એટલે જ વડીલો લોન શબ્દને ઉલટાવીને કહેતા હોય છે:
ન-લો !’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button