“દેશ બહુમતીની ઈચ્છાથી ચાલશે” નિવેદન પર ફસાયા જસ્ટિસ શેખર કુમાર; સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
નવી દિલ્હી: અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ શેખર કુમાર યાદવે આપેલું નિવેદન હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયું છે. જસ્ટિસ શેખર કુમાર યાદવના નિવેદનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કેમ્પેઈન ફોર જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી એન્ડ રિફોર્મ્સ (CJAR) એ ભારતના ચીફ જસ્ટિસને પત્ર લખીને તેમના નિવેદન અંગે ફરિયાદ કરી છે. CJAR દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં જસ્ટિસ શેખર કુમાર યાદવના નિવેદનની ઈન-હાઉસ તપાસની માંગ કરવામાં આવી છે.
VHPના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
જસ્ટિસ શેખર કુમાર યાદવે પ્રયાગરાજમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં કહ્યું હતું કે મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ દેશ ભારતમાં રહેતા બહુમતી લોકોની ઈચ્છા પ્રમાણે ચાલશે. આ કાયદો છે, કાયદો ચોક્કસપણે બહુમતી અનુસાર કામ કરે છે. તેને કુટુંબ કે સમાજના સંદર્ભમાં જુઓ, બહુમતીના કલ્યાણ અને સુખ માટે જે લાભદાયક હોય તે જ સ્વીકારવામાં આવશે. જસ્ટિસ શેખર કુમાર યાદવે પ્રયાગરાજમાં VHPના કાર્યક્રમમાં સમાન નાગરિક સંહિતા (UCC) પર બોલતા આ નિવેદન આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
સર્વોચ્ચ અદાલતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ ભાષણ અંગેના અહેવાલોની નોંધ લીધી છે. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ પાસેથી ભાષણની વિગતો માંગી છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, ‘સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવ દ્વારા આપવામાં આવેલા ભાષણના અખબારના અહેવાલો પર સંજ્ઞાન લીધું છે. હાઈકોર્ટ પાસેથી માહિતી માંગવામાં આવી છે અને આ મામલો વિચારણા હેઠળ છે.
આ પણ વાંચો :Chinese Garlic નો મુદ્દો અલ્હાબાદ હાઈકોર્ટે સુધી પહોંચ્યો, જાણો સમગ્ર વિવાદ
સંસદમાં પડ્યા પડઘા
આ સમગ્ર ઘટના ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને ન્યાયમૂર્તિ શેખર કુમાર યાદવ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીની માંગ કરતી ફરિયાદો મળ્યા પછી બની છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવના નિવેદનના મુદ્દાના પડઘા આજે લોકસભામાં પણ પડ્યા હતા. AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ જસ્ટિસ શેખર કુમાર યાદવને હટાવવાની માંગ કરતી નોટિસ પર હસ્તાક્ષર કર્યા હતા. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં ઓવૈસીએ કહ્યું કે જજનું વર્તન બંધારણની વિરુદ્ધ છે.