તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી ઃ ચિત્તની ચંચળતા અનિદ્રાનું એક કારણ…

-ભાણદેવ

હવે આપણે જોઇએ કે બસ્તિક્રિયાથી શું થાય છે.
બસ્તિક્રિયા એક ઉત્તમ શોધનકર્મ છે. તેના અભ્યાસથી મલાશય અને મોટા આંતરડાની સફાઇ થાય છે. પરિણામે તેમની ક્ષમતા વધે છે. વાયુજન્ય રોગોના નિવારણ માટે બસ્તિકિયા ઉત્તમ ઉપાય છે.
કબજિયાત અને અપાનવાયુની ક્રૂરતા બસ્તિના અભ્યાસથી દૂર થાય છે.
પેટની દીવાલ અને પેટના સ્નાયુઓ કાર્યક્ષમ અને સ્વસ્થ બંને છે.
કબજિયાત અને વાયુને કારણે શિરદર્દ રહેતું હોય તો બસ્તિક્રિયા દ્વારા તરત રાહત મળે છે.
આયુર્વેદના મત પ્રમાણે અનેક માનસિક બીમારીઓનું કારણ વાયુનો પ્રકોપ હોય છે. બસ્તિક્રિયા દ્વારા વાયુનો પ્રકોષ શાંત થાય છે. આ રીતે અનેક મનોરોગની ચિકિત્સા તરીકે બસ્તિક્રિયાનો ઉપયોગ થઇ શકે તેમ છે.
હવે આપણે જોઇએ કે અનિદ્રાની બીમારીમાંથી મુક્ત થવામાં બસ્તિકર્મ કઇ રીતે સહાયક બને છે.

આપણે જોયું છે તે પ્રમાણે અનિદ્રાની બીમારીનું એક કારણ વાયુનો પ્રકોપ છે. વાયુનો પ્રકોપ ચિત્તને ચંચળ બનાવે છે. ચિત્તની ચંચળતા અનિદ્રાનું એક કારણ છે. હવે જો કોઇક ઉપાય દ્વારા વાયુના પ્રકોપને શાંત્ત કરવામાં આવે તો ચિત્તની ચંચળતા હળવી બને છે અને આમ થાય તો અનિદ્રામાંથી મુક્ત થવાય છે. આયુર્વેદ દુંદુભિ વગાડીને કહે છે કે વાયુના પ્રકોપમાંથી મુકત થવા માટે બસ્તિક્રિયા જેવો કોઇ ઉપાય નથી.

આમ બસ્તિક્રિયાના અનુશીલનથી વાયુનો પ્રકોપ શાંત થાય છે. વાયુના પ્રકોપના શમનથી ચિત્તની ચંચળતા હળવી થાય છે. ચિત્તની ચંચળતાનું શમન થવાથી અનિદ્રાની બીમારીમાંથભી મુક્ત થવાય છે.

આ સર્વનો સારાંશ એ છે કે બસ્તિક્રિયાના ઉચિત પ્રયોગ દ્વારા અનિદ્રામાંથી મુક્ત થવામાં ઘણી મૂલ્યવાન મળે છે.

(૬) યોગાસનોનો અભ્યાસ:

અનિદ્રાની બીમારીમાંથી મુક્ત થવા માટે ઉપરોક્ત સાધનોની સાથે થોડાં હળવાં યોગાસનોનો અભ્યાસ પણ સહાયભૂત બની શકે તેમ છે. કોઇ અધિકારી વ્યક્તિ પાસેથી શીખીને નીચેનાં યોગાસનોનો અભ્યાસ કરી શકાય:

(૧) વિપરીતકરણી અથવા સર્વાંગાસન
(૨) ભુજંગાસન
(૩) અર્ધશલભાસન
(૪) વક્રાસન અથવા અર્ધમત્સ્યેન્દ્રાસન
(૫) યોગમુદ્રા
(૬) અનિદ્રાની બીમારી હોય તેમણે બહુ કઠિન યોગાસનોનો અભ્યાસ ન કરવો.
(૭) આંતરનિરીક્ષણ અને સમજ:

વ્યક્તિ પોતાની જાતને તપાસે, પોતાની જાતને સમજે- આ પ્રક્રિયા સ્વસ્થ જીવન માટે બહુ ઉપયોગી છે. આપણાં જીવનમાં અનેક સમસ્યાઓ સમજના અભાવમાં ઉપસ્થિત થાય છે. આંતરનિરીક્ષણની પ્રક્રિયા સતત ચાલતી રહેવી જોઇએ. આપણી અંદર શું ચાલી રહ્યું છે તેની આપણને જાણ હોવી જોઇએ. આપણાં જીવનની સમસ્યાઓનું સ્વરૂપ શું છે અને તેનાં મૂળભૂત કારણો ક્યાં છે, તે આપણે જાતતપાસ દ્વારા શોધી કાઢવું જોઇએ.

આપણે આપણી જાતને સમજીએ તે માટે આપણે કોઇ જાણકાર વ્યક્તિઓનું માર્ગદર્શન પણ મેળવી શકીએ છીએ.
પોતાની જાતને તપાસીને આપણે પોતાની જાતને સમજી શકીએ તો અનેક સમસ્યાઓના અને અનિદ્રાના સ્વરૂપને પણ સમજી શકીએ છીએ.

જો આમ બને તો અનિદ્રામાંથી મુક્ત થવાનો ઉપાય સહજ રીતે જ હાથવગો બની શકે છે.
કોઇ પણ સમસ્યાના સ્વરૂપને સમજી લેવામાં આવે તો તે સમસ્યાના કારણને સમજી શકાય છે અને કારણ સમજી શકાય તો તેના નિવારણનો ઉપાય પણ સરળતાથી હાથવગો બને છે.

અનિદ્રા મન: શારીરિક ઘટના હોવા છતાં તેનાં મૂળ મહદંશે મનમાં હોય છે. આંતરનિરીક્ષણ અને સમજ મનની સમસ્યાઓમાંથી મુક્તિનો મૂલ્યવાન ઉપાય છે. તેથી જો વ્યક્તિ પોતે જ પોતાની જાતના આંતરનિરીક્ષણ દ્વારા પોતાની આ સમસ્યાના સ્વરૂપની સમજ મેળવે તો સમસ્યાના નિરાકરણનો ઉપાય દૂર નહીં રહે. (ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button